આણંદમાં 'ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા' લખેલી 17 લાખ રૂપિયાની નકલી નોટો, ચાર લોકોની ધરપકડ
Fake Currency Notes: ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો ઝડપાઈ રહી છે. તેનો મતલબ એ કે હજુ પણ માર્કેટમાં નકલી નોટો ફરી રહી છે અને તેનો બિઝનેસ પણ ચાલી રહ્યો છે. હાલમાં જ આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. જે મામલે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને અત્યાર સુધીમાં કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસને બાતમી મળી હતી કે સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી નોટનો મોટો જથ્થો છે. જે બાતમીના આધારે પોલીસે 27 ડિસેમ્બર 2024ની રાત્રે તારાપુર ચોકડી પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર આવી, જેમાં ચાર શખ્સો સવાર હતા. આ કારની ડેકીમાં તપાસ કરતાં ખાખી કલરનું એક બોક્સ મળી આવ્યું હતું. જેમાં રૂ. 500 અને રૂ. 100ના દરની નોટના 34 બંડલ મળી આવ્યા હતા, જેની ગણતરી કરતાં કુલ 17 લાખની નકલી નોટ મળી આવી હતી. આ સાથે કારમાં સવાર પરમાર સુરેશ ફતેસિંહ, પટાટ રાજા કાના, ગોસ્વામી વિજય મોહનપુરી અને વાળા પ્રકાશ વિક્રમની અટકાયત કરવામાં આવી હતી. તારાપુર પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓને આણંદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે. જ્યાં તેમની વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી નોટો ફરતી કરવાનો પ્લાન નિષ્ફળ, છ યુવકોની ધરપકડ
'ચિલ્ડ્રન બૅન્ક ઑફ ઇન્ડિયા' લખાણવાળી નકલી નોટો: પહેલી નજરમાં તો આ તમામ ચલણી નોટ જ લાગી રહી હતી. પરંતુ ધ્યાનપૂર્વક જોતાં નોટ પર 'ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા' લખેલું જોવા મળ્યું હતું. જો કે, આ 'ચિલ્ડ્રન બૅંક ઑફ ઇન્ડિયા'વાળી નકલી નોટો માર્કેટમાં પહોંચાડવાની હતી તે પહેલાં જ તારાપુર પોલીસે આરોપીઓને ઝડપી પડ્યા છે.
50 લાખની સામે 1 કરોડની નકલી નોટો: પોલીસને આકરી પૂછપરછ કરતાં રાજા કાનાએ કબૂલ્યું હતું કે, નોટોના બંડલ ગોસ્વામી વિજયના મિત્ર જીગ્નેશ પાસેથી લાવ્યા છે, અને તે મિત્ર હરેશ રામજી રાખોલીયાને આપવાના છે. આરોપીઓએ 50 લાખ રૂપિયાનું રોકાણ કરી 1 કરોડની નકલી નોટો ખરીદી લોકોને પધરાવવાનો પ્લાન ઘડ્યો હતો. પણ તે પહેલાં જ પોલીસે આરોપીઓને ઝડપીને લઈને તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે.
આ પણ વાંચો: સુરતમાં 500 અને 200ની 63872 નકલી નોટો પકડાઈ, મુંબઈથી આવતા 3 યુવાન ઝડપાયા
4ની ધરપકડ, 7 આરોપીઓ સામે ફરિયાદ: પોલીસ ફરિયાદમાં 7 લોકોના નામ સામે આવ્યા છે, જેમાંથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં 2 આરોપીઓ તારાપુરના છે, જ્યારે બીજા આરોપીઓ ગોધરા, તાલાળાના રહેવાસી છે.