Get The App

ફાફડા-જલેબીના ભાવમાં અબ કી બાર 500 કે પાર : દશેરામાં ખરીદવા જાવ તો ખિસ્સું ભારે રાખજો..

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
ફાફડા-જલેબીના ભાવમાં અબ કી બાર 500 કે પાર : દશેરામાં ખરીદવા જાવ તો ખિસ્સું ભારે રાખજો.. 1 - image


Dussehra Festival : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે અબ કી બાર 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ ભાજપ 400નો આંકડો પાર કરી શક્યો નહીં. પરંતુ હાલમાં સતત વધી રહેલી મોંઘવારી અને ફાફડા બનાવવાની સામગ્રી અને કારીગરોના રોજમાં ધરખમ વધારો થતાં આ દશેરા પર લોકોને ફાફડાના એક કિલોનો ભાવ 500 ને પાર જોવા મળશે. આવી જ રીતે ધીના ભાવમાં વધારાના કારણે જલેબીનો ભાવ પણ 500ને પાર જોવા મળી રહ્યો છે. 

દશેરાના દિવસે ફાફડા અને જલેબી શા માટે ખાઈ છે તે ખબર ન હોવા છતાં સુરતમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી સુરતીઓ ઝાપટી જાય છે. દશેરાનો પર્વ એટલે અસત્ય પર સત્યનો, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો પર્વ. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દશેરા પર્વએ રાવણ દહન સાથે ફાફડા-જલેબી ખાવાનો માહોલ બની રહે છે. દશેરાના દિવસે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગુજરાતીઓની લાઇન ફાફડા-જલેબીની દુકાને લાગે છે. જેના કારણે સુરતમાં પણ દશેરાને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. મીઠાઈ અને ફરસાણના વેચાણ માટે અત્યારથી જ તૈયારી શરુ થઈ ગઈ છે. પરંતુ આ વર્ષે સુરતીઓને ફાફડા અને જલેબી માટે મોંઘવારીનું ગ્રહણ લાગી રહ્યું છે. સુરતમાં આમ તો ફાફડાનું 400 રૂપિયા કિલોના ભાવે વેચાણ થતું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફાફડા માટે ઉપયોગમાં આવતી મુખ્ય સામગ્રી એવા બેસન અને તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે ફાફડાના કારીગરો પણ ઓછા હોવાથી કારીગરોના રોજમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. તેની સીધી અસર આ વખતે દશેરામાં ફાફડા અને જલેબીના વેચાણ પર જોવા મળી રહી છે.

ફાફડા-જલેબીના ભાવમાં અબ કી બાર 500 કે પાર : દશેરામાં ખરીદવા જાવ તો ખિસ્સું ભારે રાખજો.. 2 - image

થોડા સમય પહેલા સુરતમાં ફાફડા 400 રૂપિયે કિલો વેચાતા હતા પરંતુ હાલમાં બેસનનો ભાવ 90 રૂપિયાથી વધીને 130 થઈ ગયો, કપાસિયા તેલનો ડબ્બો 1800થી વધી 2355 રૂપિયા પહોંચી ગયો, સીંગતેલનો ભાવ 2300થી 2800 રૂપિયા પહોંચી ગયો, તેથી હવે ફાફડાનો ભાવ 500ને પાર કરી ગયો છે. કેટલીક જગ્યાએ તો ફાફડા 600 રૂપિયે કિલોના ભાવે પણ વેચાઈ રહ્યા છે. આવી જ હાલત જલેબીની છે. દેશી ઘીમાંથી બનેલી જલેબીનું 450 રૂપિયાની આસપાસ વેચાણ થતું હતું, પરંતુ હાલમાં જલેબીનો ભાવ પણ 500થી 600 વચ્ચે થઈ ગયો છે. 

ફાફડા જલેબીની સામગ્રીના ભાવમાં વધારો થયો છે તેમ છતાં પણ સુરતીઓ પેટ ભરીને ફાફડા જલેબી ઝાપટી જાય તેવો અંદાજ હોવાથી વેપારીઓ દ્વારા બે દિવસ પહેલાં જ ફાફડા બનાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ફાફડા જલેબીનું વેચાણ કરતાં વેપારીઓ કહે છે, ભાવમાં વધારો થયો છે પરંતુ ઘરાકીમાં કોઈ ફેર પડે તેવી શક્યતા જોવા મળતી નથી. 


Google NewsGoogle News