ફેક્ટરી માલિકે દારૃના નશામાં કાર થાંભલા સાથે અથાડી
રોડની સાઇડ પર રહેતા શ્રમજીવી પરિવારની બાળકીને સામાન્ય ઇજા
વડોદરા,દારૃનો નશો કરીને નીકળેલા ફેક્ટરી માલિકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ પરના થાંભલા સાથે ધડાકાભેર અથડાઇ હતી. માંજલપુર પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો હતો.
મકરપુરા જી.આઇ.ડી.સી. હિમાલયા ચોકડી પાસે એક કાર ચાલકે અકસ્માત કર્યો હોવાનો મેસેજ માંજલપુર પોલીસને બપોરે સાડા ચાર વાગ્યે મળ્યો હતો. જેથી, માંજલપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સુરેશભાઇએ સ્થળ પર જઇને તપાસ કરતા અકસ્માત બાબતે બંને પક્ષ વચ્ચે અંદરોઅંદર સમાધાન થઇ ગયું હતું. પરંતુ, થાર જીપનો ચાલક જીતેન્દ્ર ગોવિંદભાઇ પટેલ (રહે. આસ્થા ડૂપ્લેક્સ,બિલાબોંગ સ્કૂલની પાછળ) દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા તેને પોલીસ સ્ટેશન લઇ આવવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે દારૃ પીધેલાનો કેસ કરી જીપ કબજે કરી છે. પોલીસે જણાવ્યું છે કે, જીતેન્દ્ર પટેલની જી.આઇ.ડી.સી.માં ફેક્ટરી છે.હિમાલયા ચોકડી પાસે ટર્ન લેતા સમયે સ્ટિયરિંગ પર કાબૂ નહીં રહેતા રોડની સાઇડ પરના થાંભલામાં અથડાયો હતો. જેના કારણે રોડની સાઇડ પર રહેતા શ્રમજીવી પરિવારની બાળકીને સામાન્ય ઇજા થઇ હતી.