હાલોલમાં કંપનીના માલિક સહિત ટોળાનો પોલીસ પર હુમલો ઃ પથ્થરમારો
ટ્રેક્ટર કેમ આડું મૂક્યું છે હટાવી લો નહીં તો હવા કાઢી નાંખીશું તેમ કહી ઉશ્કેરણી કરનાર મહાવીર જૈન સહિત ૩૫ શખ્સો સામે ફરિયાદ
હાલોલ તા.૨૧ હાલોલ જીઆઇડીસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપનીનું ચેકિંગ કરવા ગયેલી પાલિકા અને પોલીસની ટીમ સામે અડચણ કરી પથ્થરમારો કરનાર કંપનીના સંચાલક સહિત ૧૮ શખ્સોના નામ સહિત કુલ ૩૫ શખ્સો સામે હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
હાલોલ જીઆઇડીસીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપનીઓ અને કંપનીઓમાંથી થતી હેરાફેરી સામે હાલોલ પાલિકાએ સોમવારથી કાર્યવાહી હાથ ધરી છે. પ્લાસ્ટિક કંપનીઓનું નાકું ગણાતી રિન્કી ચોકડી ખાતેના નાકા પર ટ્રેકટરની આડાશ મૂકવામાં આવી હતી જેથી પ્લાસ્ટિક ભરેલા વાહનો ભાગી ના જાય.
દરમિયાન એક કંપનીના સંચાલક મહાવીર જૈન તેમજ અન્ય ૩૫ જેટલા શખ્સો ૨૦થી ૨૫ જેટલી બાઇક પર આવ્યા હતા અને અહીં ટ્રેક્ટર કેમ આડું કર્યું છે તેને હટાવી લો નહીં તો હવા કાઢી નાંખીશું તેમ કહી મોટે મોટેથી બૂમો પાડી હતી અને ફોન કરીને અન્ય લોકોને બાલાવી ગભરાટભર્યો માહોલ ઊભો કર્યો હતો.
આ સમયે પોલીસ અને પાલિકાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતાં ત્યારે મહાવીર જૈન તેમજ અન્ય શખ્સોએ બૂમાબૂમ કરી અમારી પ્લાસ્ટિક બનાવવાની ફેક્ટરીઓ કેમ બંધ કરો છો આજે તમને ચેકિંગ કરવા દઇશું નહી તેમ કહી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.