Get The App

અડાલજમાં અમૂલનું નકલી ઘી અને ગુટકા બનાવવાનું કારખાનું પકડાયું

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
અડાલજમાં અમૂલનું નકલી ઘી અને ગુટકા બનાવવાનું કારખાનું પકડાયું 1 - image


ગાંધીનગર એલસીબીએ દરોડો પાડી ચારને પકડયા

પોલીસની ટીમે ૮.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી ઃ તંત્ર દ્વારા સેમ્પલ લઇ પરિક્ષણ માટે મોકલાયાંં

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા અડાલજમાં ફાર્મ હાઉસના ગોડાઉનમાં અમૂલનું  નકલી ઘી અને ગુટકા બનાવવાનું કારખાનું ગાંધીનગર એલસીબીએ દરોડો પાડીને ઝડપી લીધું છે અને ચાર શખ્સોને પકડી ૮.૩૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

હાલમાં ઠેક ઠેકાણે નકલી ખાદ્ય પદાર્થો બની રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા પોલીસને સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ગાંધીનગર એલસીબી ટુ પીઆઇ એચ.પી પરમાર દ્વારા સ્ટાફના માણસોને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરીને તેનું વેચાણ કરતા તત્વોને પકડવા માટે તાકીદ કરી હતી. જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, અડાલજ નર્મદા કેનાલની બાજુમાં આવેલા ફાર્મ હાઉસના ગોડાઉનમાં કેટલાક ઇસમો ભેગા મળીને નકલી ઘી અને પાન મસાલા બનાવવાનું કામ કરે છે. જે બાતમીના પગલે પોલીસ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો અને ગોડાઉનમાં નકલી ગુટકા અને અમૂલનું ઘી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. જેથી અહીંથી ષિ ઉર્ફે સચિન સુરેશચંદ્ર વાજપેઈ રહે, પાર્વતી નંદન એપાર્ટમેન્ટ સરખેજ મૂળ ઉત્તર પ્રદેશ, કનૈયાલાલ દુજતીલાલ રમદાસ, શશાંક વિજય કુમાર તિવારી અને હિમાંશુ શ્રવણકુમાર તિવારી રહે ચાંગોદર મૂળ ઉત્તર પ્રદેશને ઝડપી લીધા હતા. પોલીસે અહીંથી પાન મસાલા બનાવવાનું મશીન ઘીના પાઉચ પેકિંગ કરવાનું ઇલેક્ટ્રીક મશીન, અમુલ શુદ્ધ ઘી લખેલા માર્કવાળા ૩૨૯ પાઉચ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ ૮.૩૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો અને આ સંદર્ભે અડાલજ પોલીસમાં જાણવાજો દાખલ કરાવી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ શખ્સો દ્વારા નકલી ઘીનો જથ્થો ક્યાં ક્યાં આપવામાં આવતો હતો તે જાણવા પણ તપાસ કરવામાં આવી રહી છે.

Tags :