સ્થાનિક ચૂંટણી પૂર્વે ભાજપમાં જૂથવાદ? રાજકોટના મેયરે કહ્યું - મને બદનામ કરવા કાવતરું ઘડવામાં આવ્યું
Rajkot Mayor Naynaben Pedhadiya : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ ભાજપના મેયરે મોટું નિવેદન આપી ભાજપમાં આંતરિક ડખાના અણસાર આપ્યા છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે રાજકોટ ટી.આર.પી. ગેમઝોન બાદ બને સતત બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુંભ મેળામાં સરકારી ગાડીના ઉપયોગને લઇને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે હું હાઈ કમાન્ડને રજૂઆત કરીશ'
અત્યારે આ મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એવું પણ રહ્યું છે કે, મહાકુંભમાં મારી પાછળ કોઈએ લોકો મોકલ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ ભાજપના જ એક જૂથે મેયરની ગાડીની કારનો ફોટો વાયરલ કર્યો હોવાનો તેમણે દાવો કર્યો છે.
રાજકોટ ભાજપમાં આંતરિક ડખા?
રાજકોટના મહિલા મેયર નયનાબેન પેઢડિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ફાળવાયેલી સત્તાવાર ઈનોવા કારમાં પોતોના પતિ, ભાજપના અન્ય મહિલા અગ્રણી અને સાથી કોર્પોરેટર વગેરેને લઈને કુંભસ્નાન કરવા ગયા હતા, જ્યાં ખાસ તો મેયરની એ કાર પર કપડાં સૂકવાયાં હોય એવી તસવીરો બહાર આવતાં વિવાદ શરૂ થયો હતો.
જોકે આ મામલે વિવાદ વકરતાં રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી અને નયનાબેન પેઢડિયાને પ્રતિ કીમી 10 રૂપિયાના ભાવે બિલ આપવામાં આવ્યું હતું. જેથી મહિલા મેયર 34,780 રૂપિયાનું બિલ ચૂકવ્યું હતું. ત્યારે હવે આ મામલે મેયર નયનાબેન પેઢડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો: ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં સરકારી વાહનોનો ઉપયોગ, ભાજપના નેતા લાજવાના બદલે ગાજ્યા
તેમણે કહ્યું છે કે 'ટી.આર.પી. ગેમઝોનની ઘટના બાદ સતત મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ છે. કુંભ મેળાના પ્રવાસ માટે સરકારી ગાડીનો ઉપયોગ કરવા મારા ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારી ગાડીના ઉપયોગ માટે મેં પહેલાં મંજૂરી લીધી હતી અને તેનું બિલ પણ ચૂકવી દીધું છે. જ્યારે હું મહાકુંભમાં ગઇ ત્યારે મારી પાછળ માણસો મોકલવામાં આવ્યા હતા. મારી જાસૂસી કરાવવામાં આવી રહી છે અને મને સતત બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે હું હાઈ કમાન્ડને રજૂઆત કરીશ'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે મારે કોઇનું નામ આપવું નથી પરંતુ આ અયોગ્ય છે. હું એક મહિલા મેયર છું, સ્ત્રીની ગરીમા જાળવવી જોઇએ. કુંભ મેળામાં મારી પાછળ માણસો મોકલીને આખું કાવતરું રચવામાં આવ્યું છે. એક મહિલા સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.