વયસ્કો-દિવ્યાંગોને ઘરથી મતદાન કરવાની સુવિધા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીં
વિધાનસભા અને લોકસભામાં ઘરે જઇને મતદાન કરાવાતું
જીતનું માર્જીન ઓછું હોવા છતાં વૃધ્ધો તથા દિવ્યાંગો પ્રત્યે ઉદાસીનતા મોટાભાગના અશક્ત મતદારો મતદાનથી અળગા રહેવાનું પસંદ કરશે
ગાંધીનગર : વિધાનસભા અને લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે ૮૦-૮૫ વર્ષ કે તેથી વધુ વયના વડિલો તથા દિવ્યાંગોના ઘરે ઘરે જઇને ચૂંટણી અધિકારીઓ મતદાન કરાવતા હતો તે વખતે ચૂંટણી તંત્ર એક એક મત અમુલ્ય છે તેવુ કહેતું હતું પરંતુ આ સુત્ર જાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે લાગુ ન પડતું હોય તેમ આ જ વયસ્ક મતદારો માટે ઘરેથી મતદાનની કોઇ સુવિધા-વ્યવસ્થા નથી.
ચૂંટણી તંત્ર એક એક મતદારનો મત કિંમતી છે અને તમારો મત
અમુલ્ય છે, જરૃર
મતદાન કરો...જેવા સુત્ર સાથે મતદાન જાગૃતીના કાર્યક્રમો કરે છે જે અંતર્ગત
વિધાનસભા તથા લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે વયસ્કો તથા દિવ્યાંગો કે જેઓ અશક્ત
હોવાથી મતદાન મથક સુધી નથી આવી શક્તા તેમને પણ મતાધિકાર સરળતાથી ઉપલબ્ધ થાય તે
માટે તેમના ઘરે મતકૂટિર ઉભી કરીને બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું.
આ સુવિધાનો વયસ્કોમાં મોળો પ્રતિસાદ જ્યારે
અશક્ત-દિવ્યાંગોમાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાની ચૂંટણીમાં કે જ્યાં જીતનું માર્જીન ખુબ જ ઓછુ હોય છે તેવી સ્થિતિમાં આ
વયસ્કો તથા દિવ્યાંગ મતદારોને મતદાન માટે વધુ પ્રેરિત કરવા માટે ઘરેથી મતદાનની
સુવિધા અપવાવવી જોઇતી હતી પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયસ્કો તથા
દિવ્યાંગોના મતથી જાણે કોઇ ફેર ન પડતો હોય અને વિધાનસભા-લોકસભામાં પણ મતનું મહત્વ
હોય તે રીતે આ પ્રકારેની ઘરેથી મતદાન કરી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ નથી.
હાલ ચૂંટણીનો માહોલ ગાંધીનગર તાલુકાના ગામોમાં ખાસ જોવા મળી
રહ્યો છે તેનાથી મતદાન સારૃ થશે તેવો અંદાજ પણ વ્યક્ત કરાઇ રહ્યો છે પરંતુ તેમાં
૮૦-૮૫ પ્લસના વડિલો, દિવ્યાંગો
કેટલા મતદાન કરવા મતદાન મથક સુધી જાય છે તે તો હવે જોવુ જ રહ્યું.ઉલ્લેખનીય ેછે કે, વિધાનસભા-લોકસભા ચૂંટણી
વખતે અશક્તોને મતદાન મથક સુધી લઇ જવા માટે ચૂંટણી તંત્ર વાહનની પણ વ્યવસ્થા કરે છે, વ્હિલચેર પણ
બુથમાં હાજર રાખે છે ત્યારે આ જ અશક્ત-વડિલ મતદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં
પણ પોતાનો મત આપતા હોય છે પરંતુ ત્યારે આ પ્રકારની સુવિધા વ્યવસ્થા કેમ હોતી નથી
તે પણ સવાલ ઉભો થઇ રહ્યો છે