તળાજાના રાજપરા નં. 2 ગામે મારામારીની સામસામી ફરિયાદ
- અલંગ પોલીસ મથકમાં આઠ શખ્સો સામે ગુનો નોંધાયો
- સમાજ વિશે ખોટી વાત કરવા સમજાવવા જતા અને સામે પક્ષે લેન્ડગ્રેબિંગીન અરજીની શંકાએ મારમાર્યાંની ફરિયાદ થઈ
ભાવનગર : તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામે મારામારીના બનાવમાં અલંગ પોલીસ મથકમાં કુલ આઠ શખ્સો વિરૂદ્ધ સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામે રહેતા નિમેષભાઈ ભુપતભાઈ ગોહિલે અલંગ પોલીસ મથકમાં તેમના જ ગામના રાજુ કાળાભાઈ હાડગરડા અને લાલા પોપટભાઈ મેવાડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત રાજુભાઈ તેમના પિતા અને તેમના સમાજ વિશે ખોટી વાતો કરતા હોય તેમને સમજાવવા જતાં ઉક્ત બન્ને શખ્સોએ અપશબ્દો કહી, ધોલથપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે રાજુભાઈ કાળાભાઈ હાડગરડાએ અલંગ પોલીસ મથકમાં મુકેશ ભુપતભાઈ ગોહિલ, નિમેષ ભુપતભાઈ ગોહિલ, જય ઉર્ફે ગોસુ લાલજીભાઈ, લાલા બચુભાઈ ગોહિલ, લાલા છગનભાઈ ગોહિલ અને ભોલુ તુલશીભાઈ ગોહિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત મુકેશ અને નિમેષ પર તેમણે લેન્ડગ્રેબિંગની અરજી કરાવી હોવાની શંકાના કારણે ઉક્ત લોકોએ ઢીકાપાટુંનો માર મારી તેમના રૂ.૧૦ હજારનો દુરવિનિયોગ કરી જતા રહ્યાં હતા. આ અંગે અલંગ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.