ગણપતિ બાપ્પા મોરયાઃ આ કારીગરો ગણેશજીની આંખો પેઈન્ટ કરે ત્યારે ચંપલ પણ નથી પહેરતા...
Ganesh Mahotsav 2024 : સુરતમાં ગણેશોત્સવ નજીક આવતાની સાથે જ શ્રીજીની પ્રતિમાની આંખ ને આખરી ઓપ આપનારા કલાકારોની ડિમાન્ડ પણ વધી રહી છે. શહેરના અનેક કારખાનામાં ગણપતિજીની વિવિધ આકાર અને વિવિધ રુપમાં પ્રતિમાનું નિર્માણ તો કરી દેવાય છે, પરંતુ હવે ગણેશ આયોજકો બાપાના હાવભાવ દર્શાવતી હોય તેવી આંખ પેઈન્ટ કરાવવા માટે આગ્રહ રાખે છે. અહીં અનેક ગણેશજીના ભક્તો બાપાની આંખના પેઇન્ટ માટે ખાસ કલાકારોને બોલાવી પેઈન્ટ કરાવી રહ્યાં છે. મેડિકલ ક્ષેત્રમાં જે રીતે આઈ સ્પેશિયાલિસ્ટ હોય છે, તેમ બાપાની પ્રતિમા માટે પણ આઈ સ્પેશિયાલિસ્ટની માગ હોય છે.
સુરત સહિત સમગ્ર દેશમાં આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, તે પહેલા સુરતમાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમા આવી ગઈ છે. અનેક પ્રતિમા તૈયાર થઈને બહારથી આવે છે. જ્યારે સુરતના મોટા ભાગના કારખાનામાં આયોજકોએ થીમ પ્રમાણે ઓર્ડર આપ્યા હોય તેવી પ્રતિમા બનાવાવમાં આવે છે. પ્રતિમા બનાવનારા કલાકારો પ્રતિમા તો ઘણી જ સારી બનાવે છે. પરંતુ સૃષ્ટિનું સર્જન કરનારા સર્જનહારની પ્રતિમાની આંખનું સર્જન સૌથી અગત્યનું પાસું છે.
હાલ તો અનેક આયોજકો બાપ્પાની આંખ કેવી રાખવાની છે તેની માગ પહેલા જ કરી દેતા હોય છે. આખી પ્રતિમા બનાવ્યા બાદ આંખને આખરી ઓપ આપી તેને વિવિધ હાવભાવ આવે તેવી રીતે બનાનારા ઘણાં ઓછા કલાકારો સુરતમાં છે તેથી આવા કલાકારોની માગ હાલ વધી રહી છે.
આ પણ વાંચો : ધર્મ ભૂલીને બજાવ્યો માનવતાનો ધર્મ: સમાજ સેવિકાએ વૃદ્ધાશ્રમની મુસ્લિમ મહિલાને દફનાવી, હિન્દુ મહિલાને અગ્નિદાહ આપ્યો
સુરતના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવનારા સુરેશ કોરપે ગણપતિ બાપાની આંખની કારીગરીમાં નિપુણ છે. ફાઈન આર્ટસ કરીને વિવિધ કલામાં અગ્રેસર રહેતા સુરેશ કોરપે બાપાની આંખ ગજબની બનાવે છે. શહેરના અનેક મંદિરોમાં ભગવાનની આંખને પેઇન્ટ કરી તેમાં ભાવ ભરનારા કોરપે બાપાની પ્રિતમાની આંખ માટેના સ્પેશિયાલિસ્ટ છે.
હાલમાં અનેક કારખાનામાં શ્રીજીની વિશાળકાય પ્રતિમાની માત્ર આંખનું પેઈન્ટિંગ કરવા જાય છે. હાલમાં આ પ્રકારના કલાકારો ઘણાં જ ઓછા છે, જેથી બાપાની આંખના સ્પેશિયાલિસ્ટ કલાકારોની પણ અછત સર્જાઈ છે. સુરેશ કોરપે કહે છે કે, ‘આ વિષય કલા સાથે શ્રદ્ધાનો છે. હું બાપાની પ્રતિમાની આંખ બનાવું, ત્યારે ચંપલ પણ નથી પહેરતો. હું સંપૂર્ણ ભક્તિભાવથી બાપાની આંખ પેઈન્ટ કરું છે. સર્જનહારની આંખનું સર્જન કરવું ઘણું જ મુશ્કેલ કામ છે, પરંતુ કુદરતે આપેલી કલા અને બાપા પરની શ્રદ્ધાનો સમન્વય થતાં તેઓ આ કામ સરળ બને છે.’
ગણપતિ બાપ્પાની જુદુી જુદી આંખો આયોજકોની પસંદ
સુરતમાં દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન 80 હજારની આસપાસ ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે, જેમાંથી મોટા ભાગના પ્રતિમા તૈયાર થઈને વેચાવવા આવે છે પરંતુ અનેક ગણેશ આયોજકો પ્રતિમા ઓર્ડરથી બનાવડાવે છે. આ લોકો પોતાની થીમ પ્રમાણે પ્રતિમા બનાવવા માગ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આયોજકોને બાપાની પ્રતિમાના આકર્ષક શણગાર સાથે જુદા જુદા હાવભાવ દર્શાવતી હોય તેવી આંખ બનાવવાનો આગ્રહ રાખી રહ્યા છે. કોઈ ગણેશ આયોજેક બાપાની પાણીદાર તો કોઈ બ્લુ લેન્સ હોય તેવી તો કોઈ ગ્રે કલરની આંખ બનાવવાનો આગ્રહ રાખે છે. આ આંખ બનાવવી ઘણી જ મુશ્કેલ છે અને તે કુશળ કલાકાર જ કરી શકે છે તેથી હવે આ ટ્રેન્ડ સુરતમાં શરુ થયો છે.
અનેક પ્રતિમાની આંખ ભક્તો સાથે સંવાદ કરતી હોય તેવું લાગે
ગણેશ આયોજન કરતા એક આયોજક કહે છે, ગણપતિની પ્રતિમાનો શણગાર સાથે સાથે બાપાની આંખનું પણ ઘણું જ મહત્ત્વ છે. બાપાની સામે આરતી સમયે કે દર્શન કરતી વખતે તેમે જુઓ ત્યારે બાપા તમારી સાથે સંવાદ કરતા હોય અને આંખથી આશીર્વાદ આપતા હોય તેવું લાગે છે. આ કારણસર શણગાર સાથે આંખ પણ ચોક્કસ બનાવવાના ઓર્ડર આપવામાં આવે છે.