ઈમ્પેકટ પ્લાન જૂની તારીખમાં ઈન્વર્ડ કરવા કૌભાંડ આચરાયાનો ખુલાસો
ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનને નિયમબદ્ધ કરવા આરોપી સાગઠીયા અને અન્યોએ મળી ઈમ્પેકટ ઈન્વર્ડ રજીસ્ટરમાં ચેડા કર્યાનું અને જૂના જાવક રજીસ્ટરનો નાશ કરી નવા બનાવ્યાનું ખુલ્યું
રાજકોટ, : બાળકો સહિત 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનને નિયમબદ્ધ કરવા માટે મનપામાં ઈમ્પેકટ પ્લાન રજૂ થયો હતો. પરંતુ તે ઈન્વર્ડ થયો ન હતો. આમ છતાં પૂર્વ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા અને અન્યોએ પોતાને બચાવવા માટે જૂની તારીખમાં ઈમ્પેકટ પ્લાન ઈન્વર્ડ કરવા દસ્તાવેજોમાં ચેડા કર્યાનો સીટની તપાસમાં ખુલાસો થયો છે.
સીટની તપાસમાં એવો ખુલાસો થયો છે કે ટીઆરપી ગેમ ઝોનને નિયમબદ્ધ કરવા માટે ઈમ્પેકટ પ્લાન ચકાસણી ફિ ભર્યા બાદ ઈન્વર્ડ થયો ન હતો. અગ્નિકાંડ બાદ જૂની તારીખમાં આ પ્લાનને ઈન્વર્ડ કરવામાં આવ્યો હતો. આ માટે કવેરી લેટર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહી મનપાના વેસ્ટ ઝોન વિભાગના ઈમ્પેકટ ઈન્વર્ડ રજિસ્ટરમાં ચેડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવું જાવકપત્ર રજીસ્ટર બનાવી તેમાં કવેરી લેટરની નોંધ કરી જૂના રજીસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કારસ્તાન સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા અને એટીપી ગૌતમ જોશીએ અન્યો સાથે મળી કર્યાનું બહાર આવ્યું છે. તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ સીટે આ કેસમાં ગુનાઈત કાવત્રુ અને બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાની કલમોનો ઉમેરો કરવા કોર્ટમાં રીપોર્ટ કર્યો છે.
આ અગાઉ સાગઠીયાએ પોતાને બચાવવા માટે બોગસ મિનિટસ બુક તૈયાર કર્યાનો પણ ખુલાસો થયો હતો. જેના આધારે તેના વિરૂધ્ધ બોગસ દસ્તાવેજો બનાવવા અંગે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ટૂંક સમયમાં તેનો સીટ કબજો લેશે. અગ્નિકાંડ બાદ પોતે તેમાં ફસાઈ જશે તેવી ગંધ આવી જતાં જ સાગઠીયાએ પોતાને બચાવવા માટેના ખેલ શરૂ કરી દીધા હતા. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો છે.
બીજી તરફ ગઈકાલે ધરપકડ કરાયેલા આરોપી અશોકસિંહ જગદિશસિંહ જાડેજા (ઉ.વ. 62, રહે. પ્રધ્યુમન પાર્ક સત્યસાંઈ રોડ)ને સીટે સાત દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. સીટે રિમાન્ડના કારણોમાં એવી રજૂઆત કરી હતી કે આરોપી પોતાની માલીકીની જગ્યા ભાડેથી આપ્યા અંગે જે ભાડા કરાર કરાયા હતા તે બાબતે હકિકતો જણાવતા નથી.
આરોપી તપાસમાં સહકાર આપતા નથી. ફર્યું ફર્યું બોલે છે, જે જગ્યાએ બાંધકામ કરવામાં આવ્યું હતું તે કયારે અને કયા ઉપયોગ માટે કરવામાં આવ્યું હતું, બાંધકામનું કમ્પ્લીશન સર્ટી. મેળવાયું હતું કે કેમ, રેસ-વે એન્ટરપ્રાઈઝમાં કયા કયા ભાગીદારો છે તેની તપાસ કરવાની છે.
ગેમ ઝોનની માલીકી આરોપી અને તેના ભાઈ એવા સહ આરોપી કિરીટસિંહની હતી. જેમાં કોઈએ નાણાંકીય રોકાણ, મદદ વગેરે કરી છે કે કેમ, આરોપી બનાવ બાદ કયા હતા તે સહિતના મુદ્દે તપાસ કરવાની છે. અદાલતે આરોપી અશોકસિંહના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.