Get The App

ભુવાનું પિશાચી કૃત્ય : ચાર માસની માસૂમ બાળકીને લોખંડના સળિયાથી ડામ આપ્યા

બીમાર બાળકીને ડોક્ટરને બદલે ભુવા પાસે લઇ ગયા, ડામના કારણે બાળકીની હાલત બગડતા દાહોદ ખાતે દાખલ કરાઇ

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
ભુવાનું પિશાચી કૃત્ય : ચાર માસની માસૂમ બાળકીને લોખંડના સળિયાથી ડામ આપ્યા 1 - image


દાહોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના હિમાલા ગામે એક ચાર માસની માસૂમ બાળાને ભુવાએ સારવાર કરવાના બહાને ડામ આપતા બાળકીની હાલત ગંભીર બની છે. બાળકીની તબિયત લથડતા પરિવારજનો તેને લઇને દાહોદ દોડી આવ્યા છે અને હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે બીજી તરફ આ કેસની જાણ થતા પોલીસ પણ હરકતમાં આવી છે અને ભુવાને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૃ કરી છે.

આદિવાસીની બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં અંધશ્રધ્ધાનું ભૂત હજુ પણ ધુણી રહ્યું છે. સમયાંતરે અંધશ્રધ્ધાના વિવિધ બનાવો બહાર આવતા રહે છે જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓ જ ભોગ બનતા હોય છે. આવો જ એક કિસ્સો ફરીથી બહાર આવ્યો છે. જેમાં માત્ર ૪ મહિનાની માસૂમ બાળકી ભોગ બની છે.ગરબાડા તાલુકોના હિમાલા ગામે એક પરિવારની ચાર માસની માસૂમ બાળકીને તાવ, શરદી, ખાંસી તેમજ ન્યોમોનિયા જેવી બીમારી થતાં પરિવારજનો બાળકીની સારવાર માટે હોસ્પિટલમાં જવાને બદલે ગામના એક ભુવા, બડવા પાસે લઈ ગયાં હતાં. 

ભુવાએ ૪ મહિનાની બાળકીને વળગાડ હોવાનુ કહીને લોખંડના સળિયા ગરમ કર્યા હતા અને પરિવારજનોની સામે જ માસૂમ બાળકીના છાંતીના ભાગે ગરમ ગરમ ડામ દેતાં બાળકી ચીસો પાડવા લાગી હતી તેમ છતાં ભુવા કે પરિવારજનોનું હૃદય પીગળ્યુ નહતું અને વધુ ડામ આપ્યા હતા. છાતી અને પેટની આસપાસ ચારથી વધુ ડામ આપવાના કારણે બાળકીની તબિયત લથડતા પરિવારજનો હેબતાઈ ગયાં હતાં અને બાળકીને દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છે. હાલ માસૂમ બાળકીની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડોક્ટરોએ ખાસ વિનંતી કરી છે કે કોઈપણ પરિવારમાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો કોઈ બીમાર બાળક અથવા વયસ્ક વ્યક્તિને અંધશ્રધ્ધાના વહેમમાં બડવા, ભુવા પાસે લઇ જવાથી જીવ જોખમમાં મુકાશે તેના બદલે નજીકના  સરકારી દવાખાનાનો અથવા હોસ્પિટલનો સંપર્ક કરે તે જરૃરી છે.


Google NewsGoogle News