મામલતદારે દીકરી માટે જાતિનો દાખલો કાઢી નહીં આપતા પિતાનો આપઘાત
દીકરીને પોસ્ટ વિભાગમાં નોકરી મળતા જાતિના દાખલાની જરૃર હતી
દીવડા કોલોની : મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રણકપુર ગામની યુવતીને પોસ્ટ વિભાગમાં નોકરી મળી હતી. આ માટે તેને જાતિના (એસ.સી.-એસ.ટી.)ના દાખલાની જરૃર હતી. કેન્દ્ર સરકારની નોકરી હોવાથી અંગ્રેજીમાં દાખલો માગવામાં આવ્યો હતો. આ દાખલો લેવા માટે યુવતીના પિતા મામલતદાર કચેરીમાં છેલ્લા ૨૫ દિવસથી ધક્કા ખાતા હતા પરંતુ દાખલો નહી મળતા દીકરીને નોકરી જતી રહેશે તેવી ચિંતામાં આપઘાત કરી લીધો છે.
માત્ર ગુજરાતી દાખલામાંથી અંગ્રેજી દાખલો કાઢી આપવાનો હતો તમામ પૂરાવા રજૂ કર્યા છતાં કડાણા મામલતદારે દાખલો કાઢી ના આપ્યો
પોસ્ટ વિભાગની ૧૦ દિવસની મુદ્દત પુરી થઇ ગઇ હતી એટલે દીકરીની નોકરી જતી રહેશે તેવા વિચારો સાથે ઉદાભાઇ ચિંતામાં રહેતા હતા. મામલતદાર માટે બે મિનિટનું કામ હતુ તે કામ માટે ૨૫ દિવસ થયા છતા દાખલો મળ્યો નહતો. આખરે ચિંતામાં ડૂબેલા પિતા ઉદાભાઇ સ્યૂસાઇડ નોટ લખીને ઘર નજીક આવેલા ખેતરમાં ઝાડ ઉપર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો. સ્યૂલસાઇટ નોટમાં નાયબ મામલતદાર અને મામલતદારના ત્રાસથી હું આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મામલતદાર અને નાયબ મામલતદાર સામે , પોલીસે ફરિયાદ દાખલ નહી કરતા પરિવારજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રણકપુર ગામમાં ઉદાભાઇ ડામોરના આપઘાતના બનાવમાં ઉદાભાઇએ અંતિમ ચિઠ્ઠીમાં પોતાના આપઘાત માટે મામલતદાર અને નાયબ મામલતદાર જવાબદાર હોવાનું લખ્યુ હોવા છતાં પોલીસ મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ દાખલ કરતી નહી હોવાથી હોબાળો મચી ગયો હતો અને પરિવારજનોએ ઉદાભાઇની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
મોડી સાંજ સુધી પોલીસે ઉદાભાઇના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યા સુધી ફરિયાદ દાખલ નહી થાય ત્યાં સુધી લાશ નહી સ્વીકારીએ એવા નિર્ણય ઉપર તેઓ અડગ રહ્યા હતા. મૃતકના ભાઇ અભેસિંગ ડામોરે કહ્યું હતું કે અમારા ભાઈએ આત્મહત્યા કરી છે. જેમા કડાણા મામલતદાર દ્વારા દાખલ માટે વારંવાર ધક્કા ખવડાવતા હતાં હુ માનસિક રીતે હારી ગયો એવું ચિઠ્ઠીમાં લખ્યું હતું હવે આ લોકો સામે ફરિયાદ દાખલ નહી થાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારીએ નહી.
એક તરફ દીકરીની નોકરીનું જોખમ બીજી બાજુ માલતદાર કચેરીનો ત્રાસ
ઉદાભાઇના ભાઇ અભેસિંગ ડામોર આક્ષેપ કરી રહ્યા છે કે પોતાની દીકરીને મળેલી નોકરીને લઇ પોસ્ટ ઓફિસથી સતત ઉદાભાઈ પર ફોન આવતા હતા ૧૦ દિવસ માં અંગ્રેજી દાખલો રજુ નહિ થાય તો દીકરી પર કાર્યવાહી કરવામાં આવશે એટલે ઉદાભાઇને તેની ચિંતા હતી બીજી તરફ નાયબ મામાલદાર અને મામલતદાર તમામ પુરાવા આપવા છતાં પણ ગુજરાતી દાખલાના આધારે અંગ્રેજી દાખલો ના કાઢી આપ્યો એટલે કંટાળીને મારા ભાઈએ આત્મહત્યાનું પગલું ભર્યું છે.
ચિઠ્ઠીની સત્યતાની ચકાસણી કરાશે : ડીવાયએસપી
મહિસાગર ડીવાયએસપી વિવેક ભેડાનું કહેવું છે કે આ ઘટનાની તપાસ કડાણા પી આઈ કરી રહ્યા છે હાલ જે લાશ મળી છે તેમાં એક ચિઠ્ઠી મળી આવી છે અમે આ ચિઠ્ઠીની ચકાસણી કરવમાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જરૃરી કાગળોને બદલે બીજા જ પુરાવા રજૂ કરતા હતા : નાયબ મામલતદાર
આ મામલે નાયબ મામલતદાર સુરેશ સંગાડા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'આ ભાઇ ઉદાભાઈ દાખલા માટે આવ્યા હતા અમે એમને જરૃરી કાગળો લાવવા જણાવ્યા હતા પરંતુ તેઓ બીજાં જ પુરાવા રજૂ કરાતાં હતાં દાખલા માટે જે કાગળો જોઈએ તે હજી રજુ કર્યા નથી અમે પણ આ ઘટનાનું દુઃખ છે'