વાલીઓ-વિદ્યાર્થીઓ સાથે તંત્રની મજાક, 750 રૂપિયાની વન ટાઇમ સ્કોલરશિપ માટે પરીક્ષા
Gujarat Scholarship Exam News : સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર અને જિલ્લામાં આજે પ્રાથમિક શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષા માટે 30 સ્કૂલોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.ધો.6 અને 9ના 5299 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
જોકે મોઘવારીના જમાનામાં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની નક્કી કરાયેલી રકમ મજાક સમાન છે. પરીક્ષા બાદ મેરિટના આધારે શિક્ષણ વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક વિભાગના 1000 અને માધ્યમિક વિભાગના 2900 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે.આ પૈકી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીને એક જ વખત માટે 750 રુપિયા તથા માધ્યમિકના વિદ્યાર્થીને એક જ વખત માટે 1000 રુપિયા આપવામાં આવશે.
આમ તો ધો.૫માં અને ધો.8માં 50 ટકા કે તેથી વધારે માર્કસ લાવનાર કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે પરંતુ પરીક્ષા આપનારા મોટાભાગના વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અને જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક સ્કૂલોના હતા.
શિક્ષણ સમિતિના સૂત્રોના કહેવા પ્રમાણે જે સ્કૂલના વિદ્યાર્થીને આ સ્કોલરશિપ મળે છે તે સ્કૂલને ગુણોત્સવમાં પોઝિટિવ માર્કિંગ મળે છે અને તેના કારણે સ્કૂલો પણ પોતાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે તેવો આગ્રહ રાખે છે.
આડેધડ બેઠક વ્યવસ્થા ગોઠવાતા વાલીઓ- વિદ્યાર્થીઓ હેરાન થયા
સ્કોરલશિપ પરીક્ષાની બેઠક વ્યવસ્થાને લઈને વાલીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.કારણકે ઘણા વિદ્યાર્થીઓનો તેમના ઘરથી 10 થી 12 કિલોમીટર દૂર આવેલા સેન્ટરો પર વિદ્યાર્થીઓનો નંબર આવ્યો હતો અને આકરી ગરમીમાં આવા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ હેરાન થયા હતા.રાકેશભાઈ માછી નામના એક વાલીએ કહ્યું હતું કે, હું કપૂરાઈ ચોકડી રહું છું અને મારી દીકરીનો નંબર ગોત્રી વિસ્તારની ઉત્કર્ષ વિદ્યાલયમાં આવ્યો છે.કાળઝાળ ગરમીમાં મારે દીકરીને લઈને 12 થી 15 કિલોમીટર દૂરની સ્કૂલમાં પરીક્ષા આપવા માટે આવવું પડયું છે.