'...તો હું વિધાનસભા જ નહીં, પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ', મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
'...તો હું વિધાનસભા જ નહીં, પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ', મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન 1 - image


Waghodia Assembly by election : દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો ગઈકાલે ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે. જેમાં લોકસભા બેઠકની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેમાંની એક બેઠક વાઘોડિયા. આ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે. તેઓ વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય તરીકેની ચૂંટણીમાં પણ ઉભા રહેવા તૈયાર હોવાનું જણાવી રહ્યા છે. મહત્વનું છે કે, સતત 6 વખતથી ચૂંટાઈને આવતા મધુ શ્રીવાસ્તવને ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી ન હતી. જ્યારબાદ મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ હાર્યા હતા. 

સમીકરણો જોઈને નક્કી કરીશ કે ચૂંટણી લડવી છે કે નહીં : મધુ શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, વાઘોડિયા બેઠક પર કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો અને કઈ જાતિના કેટલા ઉમેદવારો લડે છે, તેના પરથી સમીકરણો નક્કી થશે. સમીકરણો જોઈને ચૂંટણી લડવી કે નહીં તે નક્કી કરીશ. આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભા જ નહીં, પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ. 

બજરંગબલીના મારા પર આશીર્વાદ છે : મધુ શ્રીવાસ્તવ

તેમણે કહ્યું હતું કે, એક જ વર્ષમાં મોકળું મેદાન મળ્યું છે, તો કોઈપણ વ્યક્તિ મોકો ન છોડી શકે. સમીકરણો જો ભાજપની વિરોધમાં ચાલતો હશે, તો હું પાછળથી સપોર્ટ કરીશ. ભાજપની સામે લડવું હશે તો લડીશ પણ ખરો. આ વખતે 110 ટકા ચૂંટણી લડવાનો છું. પરંતુ પરિસ્થિતિ જોઈને લડીશ. જીતી શકે એવું જ લડવાનું, હારે તેવું લડવાનું નથી. જ્યાં પણ મેં કદમ મૂક્યા છે, ત્યાં મારો વિજય થતો આવ્યો છે. બજરંગબલીના મારા પર આશીર્વાદ છે અને મારું બધું સારું થતું આવ્યું છે. 

જો લડવૈયા નબળા હશે તો હું જાતે લડીશ : મધુ શ્રીવાસ્તવ

ભાજપ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ભૂતકાળમાં મેં ભાજપ માટે મારી આખી જવાની ઝોકી દીધી છે. પૈસા પણ ઝોકી દીધા છે. મેં એકપણ રૂપિયાનું કરપ્શન કર્યું નથી. ભાજપ માટે જિલ્લા પંચાયત, કોર્પોરેશન અને સંસદ સુધી જીતાડવાના પ્રયાસ કર્યા છે. પરંતુ વડોદરાના ભાજપના નેતાઓએ મારી સાથે બેઈમાની કરી છે. જેથી હું નારાજ છું. જે લડશે તેને હું સપોર્ટ કરીશ, જો લડવૈયા નબળા હશે તો હું જાતે લડીશ.

હું રંજનબેન ભટ્ટની વિરૂદ્ધમાં લડીશ : મધુ શ્રીવાસ્તવ

રંજનબેન ભટ્ટને ટિકિટ મળવા અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, આ ચૂંટણીમાં હું તેમના વિરૂદ્ધ લડીશ. હું કોર્પોરેશનમાં અપક્ષ તરીકે જીત્યો, ત્યારે ભાજપ મને લેવા આવી હતી. વિધાનસભામાં પણ અપક્ષમાં જીત્યો, ત્યારે પણ ભાજપ મને લેવા આવી હતી અને જ્યારે ભાજપે ટિકિટ ના આપી ત્યારે હું અપક્ષમાં લડ્યો હતો. આ ચૂંટણીમાં હું ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટની વિરૂદ્ધમાં લડીશ. રંજનબેનના શાસનમાં શું-શું કૌભાંડો થયા તે સમય આવ્યે જણાવીશ.

કોઈ એક વ્યક્તિએ વડોદરાનો વિકાસ નથી કર્યો : મધુ શ્રીવાસ્તવ

વડોદરાનો વિકાસ નથી થયો તેવા જ્યોતિબેન પંડ્યાના આક્ષેપો અંગે મધુ શ્રીવાસ્તવે સુર પુરાવતા કહ્યું કે, ગુજરાત અને વડોદરાનો વિકાસ થયો છે, પરંતુ કોઈ એક વ્યક્તિએ વિકાસ નથી કર્યો, પરંતુ બધાએ મળીને વિકાસ કર્યો છે. 



Google NewsGoogle News