કલ્પેશ કાછીયા અને સંતોષ ભાવસાર વચ્ચે નાણાંકીય લેવડ - દેવડના પુરાવા મળ્યા
નામચીન કલ્પેશ કાછીયાની આગોતરા જામીન અરજી નામંજૂર વેપારીએ ૪૭ લાખની સામે પોણા બે કરોડ ચૂકવ્યા હતા
વડોદરા,વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલા સંતોષ ભાવસાર અને નામચીન કલ્પેશ કાછીયા વચ્ચે નાણાંકીય વ્યવહારો થયા હોવાની બેંક ડિટેલ પોલીસને તપાસ દરમિયાન મળી છે. કલ્પેશ કાછીયાએ આગોતરા જામીન માટે અદાલતમાં કરેલી અરજી નામંજૂર થઇ છે.
વારસિયા વિનાયક રેસિડેન્સીમાં રહેતા નરેશભાઇ કેસરીચંદ નેનાની ખંડેરાવ માર્કેટ ખાતે એસ.કે.ફ્રૂટ અને એન.કે.ફ્રૂટ નામની દુકાન ચલાવે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફ્રૂટનો વેપાર કરવા માટે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૦ સુધીમાં સંતોષભાઇ ઉર્ફે બાબુભાઇ ભાવસાર (રહે. રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ) પાસેથી ટૂકડે - ટૂકડે ૪૭ લાખ વ્યાજે લીધા હતા. જેની સામે અમે પોણા બે કરોડ જેટલી રકમ ચૂકવી દીધી છે.
તેમછતાંય તેઓ પૈસાની સતત ઉઘરાણી કરી ધમકી આપતા હતા. જેનાથી કંટાળીને મેં ફિનાઇલ પી લીધું હતું. આ કેસમાં નવાપુરા પોલીસે આરોપી સંતોષ ભાવસારની પૂછપરછ કરી હતી. ૪૭ લાખની રકમ અંગે પોલીસે પૂછપરછ કરતા સંતોષે જણાવ્યું હતું કે, આ રૃપિયા હું કલ્પેશ કાછીયા પાસેથી લઇને આપતો હતો. આ કેસમાં કલ્પેશ કાછીયાનું નામ ખૂલતા તેને આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસે આરોપીની જામીન અરજી નામંજૂર કરવા કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમાં જણાવ્યું હતું કે, આરોપીનો ભૂતકાળ ગુનાઇત છે. પાંચ વખત પાસામાં પણ અટકાયત થઇ છે. આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવશે તો તપાસમાં વિક્ષેપ ઉભો થવાની શક્યતા છે. આરોપી વિદેશ ભાગી જાય તેવી શક્યતા છે. આરોપી સંતોષ ભાવસાર અને કલ્પેશ કાછીયા વચ્ચે નાણાંકીય વ્યવહારો થયા હોવાનું બેન્ક ડિટેલ્સ મળી છે.આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવશે તો ફરિયાદી તથા સાક્ષીઓને ધાક ધમકી આપે તેવી શક્યતા છે.સરકાર તરફે વકીલ અનિલ દેસાઇએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી. બંને પક્ષોની રજૂઆત સાંભળી અદાલતે આરોપી કલ્પેશ કાછીયાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.