સોમનાથ મહાદેવને અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે ભક્તોનું પુણ્ય જોડાશે
શ્રાવણ માસમાં ભાવિકો માટે બિલ્વપુજા યોજાશે : ગત શ્રાવણ માસમાં વિક્રમજનક 2.50 લાખ જેટલી પૂજા નોંધાઇ
વેરાવળ, : શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રૂપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન સોમનાથ મહાદેવને પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે.
ટ્રસ્ટ ની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે. અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે.
ગત શ્રાવણ માસમાં બિલ્વપુજા સેવા શરૂ કરવામાં આવી હતી. 2.50 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી.અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રૂદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
આ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિલગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર રૂ. 25ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.તા. 3/09/2024 સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે.