Get The App

ભાજપ સત્તા પર ન હતું ત્યારથી આજ દિન સુધી વડોદરામાં આગેવાનો વચ્ચે ભાંજગડ ચાલતી રહીં છે

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
ભાજપ સત્તા પર ન હતું ત્યારથી આજ દિન સુધી વડોદરામાં આગેવાનો વચ્ચે ભાંજગડ ચાલતી રહીં છે 1 - image


Vadodra BJP : વડોદરા શહેર ભાજપમાં હાલ પ્રમુખ પદની ભાંજગડ ચાલી રહી છે. ભાજપ સત્તા પર ન હતું ત્યારે 1993માં ભાજપમાં પ્રથમ વખત પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી ત્યારથી આજ સુધી અવારનવાર ભાજપની ભાંજગડ જાહેરમાં બહાર આવી છે. જેને કારણે કાર્યકર્તાઓ પણ કોની સાથે રહેવું તે અંગે દ્વિધા અનુભવી રહ્યા છે.

ભાજપ 1995માં ગુજરાત અને વડોદરામાં સત્તા પર આવ્યું તે અગાઉ 1993માં ભાજપના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જીતેન્દ્ર સુખડીયા અને સ્વ.નલીન ભટ્ટના ઉમેદવાર ઓ.પી.ગુપ્તાએ ઉમેદવારી કરી હતી અને મતદાન યોજાયું હતું. જેમાં જીતેન્દ્ર સુખડીયા જીત્યા હતા ત્યારબાદ 1994માં જીતેન્દ્ર સુખડીયા પ્રમુખ તરીકે કાર્યરત હતા ત્યારે નલીન ભટ્ટ જૂથે તેમનો જાહેરમાં વિરોધ કર્યો હતો. 1995માં ભાજપના ઉમેદવાર તરીકે શહેર વાડી વિધાનસભા બેઠક પર નલીન ભટ્ટના નામની જાહેરાત થતાં જીતેન્દ્ર સુખડીયાના જૂથે વિરોધ કર્યો હતો. જેથી તેઓને પાદરા બેઠક પરથી ચૂંટણી લડવાની ફરજ પડી હતી. એજ રીતે 1997માં શહેર પ્રમુખ તરીકે ભૂપેન્દ્ર લાખાવાલા હતા ત્યારે તેઓ સામે પણ વિરોધ વંટોળ થયો હતો.

1995માં ભાજપ વર્સીસ ભાજપ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉતર્યું હતું અને કેસરી પેનલ બનાવી બળવાખોર કાર્યકર્તાઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું ત્યારે પણ વાંદરા અને કમળવાળી વિવાદાસ્પદ પત્રિકા ફરતી થઈ હતી.

1999માં શહેર ભાજપ પ્રમુખ તરીકે કૃષ્ણકાંત શાહની નિમણુંક થઈ ત્યારે ભાજપ કાર્યાલય નવું બનાવવા માટે કોર્પોરેશનના કોન્ટ્રાકટરો અને  વડોદરાના બિલ્ડરો પાસેથી લાખ્ખો રૂપિયા દાનપેટે લેવામાં આવ્યા હતા અને તેની લેખિતમાં પાવતી પણ આપવામાં આવતી હતી. જેથી તેઓ પણ ભાજપની જૂથબંધીના ભોગ બન્યા હતા.

2005 દરમ્યાન મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી જીતેન્દ્ર રાયજી કાર્યકર્તાઓ સાથેના પારિવારિક સંબંધોને કારણે અન્ય આગેવાનોને અણગમો થતાં તેઓ પણ ભાજપની જૂથબંધીના ભોગ બન્યા અને વડોદરાના એક નેતાની આગેવાની હેઠળ મધ્ય ગુજરાતના 15 ધારાસભ્યએ સંગઠન મંત્રી વિરૂધ્ધ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.

2011માં શહેર ભાજપ પ્રમુખ પદે ભરત ડાંગરની નિયુક્તિ થતાં નનામી પત્રિકા અને બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

2015માં અકોટાના ધારાસભ્ય અને મંત્રી સૌરભ દલાલ સામે પણ હોર્ડિંગ્સ લગાવી એક બે આગેવાને વિરોધ કર્યો હતો. એટલું જ નહી તેમના એક કાર્યક્રમ અગાઉ પથ્થરમારો પણ થયો હતો. 2021માં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સામે પણ સંગઠન સર્વોપરીના બેનરો સાથે વિરોધ થયો હતો. 

2024માં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં બેનામી પત્રિકા, બેનર અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારી રદ કરવા સુધીનો વિરોધ થયો હતો. જેને કારણે ઉમેદવાર બદલવા પડયા હતા.

હાલમાં ભાજપની ભાંજગડમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને શહેર મહામંત્રી સુનીલ સોલંકી સામે પણ વિરોધ થતાં નિમણૂંકની સમયમર્યાદાની અધવચ્ચેથી હોદ્દા પરથી રાજીનામુ આપી દેવાની ફરજ પાડવામાં આવી હતી. એજ પરિસ્થિતિ હાલ થઇ રહી છે. શહેર પ્રમુખની ચૂંટણી અગાઉ થઈ રહી છે.


Google NewsGoogle News