વડોદરા: આજવા સરોવરમાંથી સતત 24 કલાક પાણી છોડાયા પછીયે લેવલ માંડ એક ફૂટ જ ઘટ્યું
Vadodara Flood: વડોદરામાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ અને આજવા સરોવરમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થવાના કારણે વડોદરામાં પૂરે તબાહી મચાવી છે. આજવા સરોવરમાં તારીખ 26 રાત્રે 9:00 વાગે સપાટી મહત્તમ 214.80 ફૂટે પહોંચી ગઈ હતી, જ્યારે આજવાના ઉપરવાસ પ્રતાપપુરા સરોવરમાં સપાટી 233.05 ફૂટ હતી. તે સમયે વિશ્વામિત્રીનું લેવલ 29.70 હતું.
આ દરમિયાન તંત્ર દ્વારા તે જ સમયે વિશ્વામિત્રીનું લેવલ 35 ફૂટ વધી જશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી કારણ કે, આજવાના 62 દરવાજામાંથી 15,700 ક્યુસેક અને પ્રતાપપુરામાંથી 27000 દિવસે પાણી છોડવામાં આવી રહ્યું હતું. તારીખ 26મીની રાતથી જ વડોદરા વાસીઓના જીવ ઊંચા થઈ ગયા હતા.
તારીખ 27મીની રાત્રે 24 કલાક પૂરા થયા ત્યાં સુધીમાં તો વડોદરામાં પૂર ધમરોળી ચૂક્યું હતું. આ 24 કલાકમાં વિશ્વામિત્રનું લેવલ વધીને 35.25 ફૂટ થઈ ગયું હતું. જો કે તેની સામે સતત પાણી છોડાતું હોવા છતાં આજવા સરોવરમાંથી માત્ર એક જ ફૂટ લેવલ ઓછું થયું હતું અને આ એક ફૂટ લેવલ ઓછું થયું તેમાં વડોદરામાં ખાનાખરાબી સર્જાઈ ગઈ. તારીખ 27મીની રાત્રે આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ હતી. જ્યારે પ્રતાપપુરાની સપાટી 230.20 ફૂટ હતી.
બીજી તરફ વિશ્વામિત્રીમાં આજવા અને પ્રતાપપુરાના છોડાતા પાણી આગળ ઢાઢર નદીમાં જતું હતું. ગઈ રાત્રે રાત્રે આજવા અને પ્રતાપપુરાનું પાણી રાત્રે 11 વાગે બંધ કરાયા પછી 12 કલાક બાદ પણ આજવાનું લેવલ 213.75 ફૂટ હતું. જોકે પ્રતાપપુરાનું લેવલ ઘટ્યું હતું અને 229.80 ફૂટ હતું. બીજી બાજુ વિશ્વામિત્રીના લેવલમાં કોઈ ફરક પડ્યો ન હતો. આજે સવારે 11:30 કલાકે પણ વિશ્વામિત્રીની સપાટી 35.25 ફૂટ હતી.