મહિના બાદ પણ સુરતના ઉધના વિસ્તારની એક ગ્રાન્ટેડ સ્કુલ હજુ બંધ
- ધોરણ10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ સહિત 900 થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ
સુરત
સુરત મહાનગર પાલિકા દ્વારા સીલ મારવામાં આવેલી ૧૨ સ્કુલો પૈકી ઉધનાની એકમાત્ર છત્રપતિ શિવાજી મરાઠી ગ્રાન્ટેડ સ્કુલને સીલ હજુ મહિનો થવા છતા ખુલ્યુ નહીં હોવાથી ૯૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ લટકયુ છે. આ સિવાયની તમામ સ્કુલો શરૃ થઇ ચૂકી છે.
રાજકોટની કરૃણ ઘટના બાદ પાલિકા દ્વારા જે જે સ્કુલો પાસે ફાયર એનઓસી કે બીયુસી નહીં હોવાથી સીલો મરાઇ હતી. આ સ્કુલોમાંથી નવુ શૈક્ષણિક સત્ર શરૃ થયુ ત્યારે ૨૪ જેટલી સ્કુલોના સીલ ખોલ્યા નહીં હોવાથી બંધ હતી. શાળા સંચાલકોએ મંજુરી લઇને સ્કુલો શરૃ કરતા અંતે ૧૨ સ્કુલો એવી હતી. જે સ્કુલો બંધ જ રહી હતી. ત્યારબાદ આ ૧૨ સ્કુલોમાંથી આજની તારીખે એકમાત્ર ઉધના જલારામ નગર હરિનગર-૨ માં આવેલી એકમાત્ર છત્રપતિ શિવાજી મહારાજા મરાઠી સ્કુલ હજુ પણ બંધ જ છે.બાકીની ૧૧ સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૃ થઇ ચૂકયુ છે.
સૌથી મોટી વાત એ છે કે આ ગ્રાન્ટેડ સ્કુલ છે. નવુ શૈક્ષણિક સત્ર શરૃ થયા પછી પણ મહિનો થવા છતા આ સ્કુલ શરૃ થઇ શકી નથી. આથી આ સ્કુલોમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત ૯૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધર લટકયુ છે. સુરતની એકમાત્ર સ્કુલ જ બંધ છે અને તે પણ ગ્રાન્ટેડ સ્કુલ હોવાથી આ સ્કુલો આગામી દિવસોમાં શરૃકરવા માટે શાળા સંચાલકો મરણિયા બન્યા હોવાનું જાણવા મળ્યુ છે.