વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યાના 48 કલાક બાદ પણ ફતેગંજના અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો હજુ ઠપ્પ
Vadodara Flooding : વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા પછી પણ નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો નથી. પાલિકા તંત્ર દ્વારા અનેક કામગીરી ઝડપથી ન થતા નાગરિકો હવે લાચારીનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં એક પછી એક ફરિયાદો પૂરના પાણી ઓસર્યા બાદ સતત વધી રહી છે.
પૂરના પાણી ઉતરી ગયાના 48 કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં ફતેગંજ વિસ્તારમાં અનેક જગ્યાએ ગેસ પુરવઠો હજુ પૂર્વવત થઈ શક્યો નથી. અહીં રહેતા લોકોએ પોતાના જમવા અને ચા-નાસ્તા માટે અન્ય સંબંધીઓ અથવા પાડોશીઓ પર આધાર રાખવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : 48 વર્ષે વિનાશક પૂર બાદ વડોદરામાં આક્રોશ, ભાજપના કદાવર નેતાઓને લોકોએ ભગાડ્યા
એક તરફ હાલ આ વિસ્તારમાં કોર્પોરેશનનું પીવાનું પાણી આવી રહ્યું નથી ત્યારે બીજી તરફ લોકો બહારનું ખાવાનું પણ નકારી રહ્યા છે. તો હવે ગેસ ઉપલબ્ધ ન થઈ હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. ફતેગંજના સદર બજાર, પત્રકાર સોસાયટી સહિતના વિસ્તારોમાં ગેસ પુરવઠો ક્યારે રાબેતા મુજબ શરૂ થશે? તે અંગે તંત્ર ચોક્કસ જવાબ આપી રહ્યું નથી.
આ પણ વાંચો : વડોદરામાં વરસાદ કરતાં પૂરે ભારે ખાનાખરાબી સર્જીઃ હેરાન થતાં લોકોએ ઘર વેચવાનું મન મનાવી લીધું
ગેસ પુરવઠામાં ઉદભવેલી ખામી અંગે ગેસ વિભાગ અને પાલિકાના અધિકારીઓ સંપૂર્ણ માહિતગાર હોવા છતાં તે પ્રશ્નનું નિવારણ આવી રહ્યું નથી. ગેસ પુરવઠો ન આવવા મામલે પાલિકાની એક ટીમ દ્વારા સ્થળ સ્થિતિની મુલાકાત કર્યા બાદ એવું જણાવ્યું હતું કે, ગેસ પાઇપલાઇનની અંદર પૂરના પાણી ઉતરી ગયા છે. તેથી આખી લાઈન ખુલી કરી તપાસવી પડશે. ત્યારે હવે તંત્ર શું કામગીરી અને ક્યારે કેવી રીતે કામગીરી કરે છે? તે જોવું રહ્યું.