36 કલાક વીત્યાં છતાં વડોદરા ગેંગરેપના નરાધમોને શોધવા વલખાં મારતી ગુજરાત પોલીસ
Vadodara Gang Rape: વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કરતા ચકચારી બનેલી આ ઘટનામાં સમગ્ર જિલ્લા પોલીસ હવસખોરોને ઝડપી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે પરંતુ હજી સુધી હવસખોરો કોણ છે તે જાણી શકાયું નથી. 36 કલાક પછી પણ પોલીસ હજી હવાતિયા મારી રહી છે.
પોલીસ ફરિયાદના 36 કલાક થવા છતાં આરોપી અંગે કોઈ જ જાણકારી નથી
વડોદરાની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડયા છે. વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત વડોદરા શહેરની પોલીસ તેમજ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જોડાઈ છે. ઘટનાની પોલીસ ફરિયાદના 36 કલાક થવા છતાં હજી પણ આરોપીઓ કોણ હતા તે પોલીસ નિશ્ચિત કરી શકી નથી. સીસીટીવી, મોબાઈલ નેટવર્ક સહિત તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હોવા છતાં હજી સુધી ત્રણે હવસખોરના સગળ મળ્યા નથી.
પૂછપરછનો દોર શરુ
જિલ્લા પોલીસની તપાસમાં ગઇકાલે પોલીસને એક લિન્ક મળી હતી અને તે મુજબ શકમંદોને ઉઠાવી પૂછપરછ કરી હતી. પરંતુ પ્રાથમિક તબક્કે તેઓ હોય તેમ નહી જણાતા આખરે તેમને જવા દેવાયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય કરતા હોય તેવા 50 થી 60 લોકો ઓળખાયા છે અને તેઓની ઘનિષ્ઠ તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભાયલીથી 4-5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો જેઓ આ વિસ્તારથી ખૂબ વાકેફ છે તેઓની ઓળખ કરીને પૂછપરછનો દોર શરુ કરવામાં આવ્યો છે.
માતાએ ફોન કરતાં નરાધમોએ ઉપાડયો, પાંચ સેકન્ડમાં બંધ
ભાયલી પાસેની અવાવરી જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું.
પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહી આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસને હજી સુધી વિદ્યાર્થિનીના મોબાઇલનો પત્તો મળ્યો નથી.
સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશનના આધારે તપાસ
સમગ્ર રાજ્યમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવતા આખરે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ વડોદરા દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ લોકેશનના આધારે નરાધમોને ઝડપી પાડવા માટે તપાસમાં જોડાઈ હતી.
સીસીટીવી ફૂટેજ મળ્યા પરંતુ વિઝન ધૂંધળું
વડોદરા જિલ્લા પોલીસે ઘટના સ્થળની ચારેબાજુ જ્યાંથી પસાર થવાય છે તે સ્થળોની ઓળખ કરી નજીકના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે પરંતુ ફૂટેજ મળ્યા છે તે અંધારુ હોવાથી ધૂંધળું દેખાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થિનીના મોબાઇલનું છેલ્લું લોકેશન અટલાદરા હોવાથી તે સ્થળ પરથી પસાર થતાં વાહનોની ઓળખ મેળવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગેંગેરપે પહેલાં ભાગી ગયેલા બે કોણ તેની પણ તપાસ ચાલુ
ભાયલી પાસે વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના પહેલાં એક બાઇક પર આવેલા બે શખ્સો ઘટનાસ્થળેથી તેના નરાધમ મિત્રોને 'જવા દે' કહીને નીકળી ગયા હતા. ગુજરાતી ભાષા બોલતા બંને શખ્સો કોણ હતા તે પોલીસ શોધી રહી છે.
વિદ્યાર્થિનીના મિત્રોએ પોલીસ ફરિયાદ કરવા હિંમત આપી
ભાયલી પાસે ધોરણ-11ની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના બાદ વિદ્યાર્થિની તેમજ તેનો પરિવાર પોલીસ ફરિયાદ નોંધવવા માટે તૈયાર ન હતા પરંતુ વિદ્યાર્થિનીના મિત્રોએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવા માટે હિંમત આપી હતી અને બાદમાં આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.