Get The App

10 કલાકની જહેમત બાદ પણ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી ન શકતા 2 લોકોને એરલીફ્ટ કરવા પડયા

Updated: Jul 1st, 2023

GS TEAM


Google News
Google News
10 કલાકની જહેમત બાદ પણ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી ન શકતા 2 લોકોને એરલીફ્ટ કરવા પડયા 1 - image


કેશોદ તાલુકાના સુત્રેજ ગામની સીમમાં બંને ખેડૂતોએ દસ કલાક સુધી વીજ પોલ પર ચીપકી રહીને બચાવ્યો જીવ, આખરે વાયુસેનાના હેલિકોપ્ટરમાં રેસ્ક્યુ કરાયું

 જૂનાગઢ, : કેશોદ તાલુકાના સુત્રેજ ગામની સીમ ઓઝત નદીના પૂરના કારણે બેટમાં ફેરવાઇ છે.ત્યારે બે ખેડૂત જીવ બચાવવા વિજપોલ પર ચડીને કલાકો સુધી ચીપકી રહ્યા હતા. એન.ડી.આર.એફ.ની ટીમ પણ રેસ્ક્યુ ન કરી શકતા આખરે આ બંને ખેડૂતોને વાયુસેનાના હેલિકોપ્ટરથી એરલીફ્ટ કરવામાં આવ્યા હતા.

આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના સુત્રેજ ઘેડમાં રહેતા ખેડુત પોલાભાઈ ગોવિંદભાઈ માવદીયા અને સામરાભાઈ સાંગા ડફેર ગઈકાલે વરસાદના કારણે વાડીની ઓરડીમાં ઉંઘી ગયા હતા. ગઈકાલે વિસાવદર, જૂનાગઢ પંથકમાં થયેલા ભારે વરસાદના કારણે ઘેડ પંથક ઓઝત નદીના પુરના પાણી આજે સવારે ઘેડમાં પહોંચતા ત્યાં જળબંબાકાર સ્થિતી થઈ હતી. પોલાભાઈ અને સામરાભાઈએ ગામ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુરનું પાણી વધી જતાં જીવ બચાવવા માટે વીજપોલ પર ચડી ગયા હતા અને ફોન વડે  તંત્રની મદદ માંગી હતી.આથી સરકારે ફાળવેલી એનડીઆરએફની ટીમ સુત્રેજની સીમમાં પહોંચી હતી.અને ત્યાં જઈ રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં એનડીઆરએફની બોટ બંને ખેડૂત જે વીજપોલ પર ચિપકીને રહ્યા હતા. ત્યાં સુધી પહોંચી શકી ન હતી. દસ કલાક સુધી એનડીઆરએફની ટીમે ચારેય દિશામાંથી પ્રયાસ કરવા છતા વીજપોલ સુધી બોટ પહોંચી શકી ન હતી.આખરે કેશોદ પ્રાંત અધિકારી કિશન ગરચરે કલેકટર અનિલ રાણાવાસીયાને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા અને એનડીઆરેફની ટીમે હેલિકોપ્ટરની મદદ માંગી હતી. બાદમાં જામનગરથી વાયુસેનાનું હેલિકોપ્ટર આવ્યું હતું અને પુરના પાણીમાં વીજપોલ પર ચીપકેલા પોલાભાઈ અને સામરાભાઈને એરલીફ્ટ કરી બચાવ્યા હતા. આમ દસ કલાકની જીવ સટોસટની લડાઈ બાદ એરલીફ્ટ કરવામાં આવેલા બંને ખેડૂતો તેમજ તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags :