૪૧ વીઘા જમીનનો સોદો નક્કી કરી એસ્ટેટ બ્રોકર સાથે ૫૩.૭૬ લાખની છેતરપિંડી
દહેગામ તાલુકાના દેવકરણના મુવાડામાં
જમીન દલાલ અને બે ખેડૂતોએ બાનાખત કરી આપ્યું હોવા છતાં જમીન આપી નહીં ઃ દહેગામ પોલીસે તપાસ હાથ ધરી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દેવકરણના મુવાડામાં પાંચ કરોડ રૃપિયામાં ૪૧ વીઘા જમીનનો સોદો નક્કી કરીને જમીન દલાલ અને બે ખેડૂતો દ્વારા અમદાવાદના વાસણા ખાતે રહેતા મહિલા એસ્ટેટ બ્રોકર સાથે ૫૩.૭૬ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.
ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી
છે ત્યારે આ વખતે અમદાવાદના વાસણા ખાતે રહેતા અને ભાગીદારીમાં રીયલ એસ્ટેટ બ્રોકરનું
કામ કરતા જાનવીબેન ભરતભાઈ જોષી સાથે છેતરપિંડીની ઘટના બનવા પામી છે ત્યારે
દહેગામના દેવકરણના મુવાડા ખાતે ૪૧ વીઘા જેટલી જમીન તેમના દ્વારા જોવામાં આવી હતી.
જમીન દલાલ ભૂમસિયાના વિહાભાઈ જેસંગભાઈ દેસાઈ દ્વારા જમીનના બે ખેડૂતો અભાજી ઉમેદજી
ઠાકોર અને વિક્રમજી ફતાજી ઠાકોરને લઈ તેમની ઓફિસ ગયા હતા અને આ જમીન પેટે પાંચ
કરોડ રૃપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. ટોકન પેટે ચાર લાખ રૃપિયા આપી
દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ કબજા વગરનું બાનાખત પણ કરી આપ્યું હતું. તબક્કાવાર
જમીન દલાલ અને ખેડૂતો દ્વારા ૫૩.૭૬ લાખ રૃપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને જમીનના
એક કબજેદારને ખાલી કરવા માટે આઠ લાખ રૃપિયા પણ લીધા હતા. જોકે સમય વીતી જવા છતાં આ
શખ્સોએ જમીનનું ટાઈટલ ક્લિયર નહીં થતું હોવાથી રૃપિયા પરત આપવાની વાત કરી હતી અને
જાનવીબેનની કંપનીના નામના અલગ અલગ ૫૩ લાખ રૃપિયાના ચેક આપ્યા હતા જે પરત ફર્યા
હતા. જેથી તેમને છેતરાયનો અહેસાસ થયો હતો અને આ મામલે હાલ દહેગામ પોલીસ મથકમાં
ફરિયાદ આપતા પોલીસે જમીન દલાલ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી
છે.