ભાજપે મારું ફોર્મ રદ કરાવવા ત્રણ-ત્રણ વકીલ રાખ્યા છે, આ તેમની માનસિકતાઃ ગેનીબેનનો સનસનીખેજ આરોપ
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરવાનો 19મી એપ્રિલે છેલ્લો દિવસ હતો. પરંતુ બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસ અને ભાજપના મહિલા ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રમાં ભૂલો સામે આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચોથી વખત સુધારા સાથેનું સોગંદનામું જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મારૂ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરવામાં આવી છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.'
ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહારો કર્યા
પાલનપુર કલેક્ટર કચેરીએ સોગંદનામું રજૂ કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, 'ત્રણ-ત્રણ વકીલો રાખીને મારૂ ઉમેદવારી પત્ર રદ થાય તેવો પ્રયાસો કરવામાં આવ્યા છે, આ ભાજપની માનસિકતા છે. જેમણે જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંધનામાની અંદર મિલકતની કિંમતમાં ભૂલો કાઢી હતી. જેમાં મારી વર્ષ 2007થી 2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે. સરકારે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારી એટેલે વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે. વેલ્યુએશન અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે. એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે. તો અમે એ પ્રમાણે એફિડેવિટ કર્યું છે.'
ગેનીબેન પાસે 40 વીઘા જમીન ક્યાંથી આવી?: ભાજપ નેતા રેખાબેન ખાણેચા
પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન ઠાકોર આરોપ લગાવતા કહ્યું કે,'ગેનીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું કઈ વસ્તુ તેમને છુપાવવી હતી. ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમને પ્રોપર્ટી નીલ બતાવી હતી. જો કે, હાલમાં તેમને એફિડેવિટ કર્યું તેમાં તેમને 40 વિઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે તેમાં એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીધા જમીન છે, તો આ 40 વિઘા જમીન એમની પાસે ક્યાંથી આવી. આ અમે નથી બોલતા તેમનું એફિડેવિટ બોલે છે.'
બંને મહિલા ઉમેદવારોના ઉમેદવારી પત્રમાં ભૂલો
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભરેલા ફોર્મમાં પણ ભૂલ હોવાથી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવા અરજી આપી હતી અને નવા સાત સુધારાઓ સાથે નવું ફોર્મ ભર્યું હતું. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ તેમના ફોર્મમાં બી.એસ.સી અને એમ.એસ.સી વચ્ચે બે વર્ષના અંતરમાં ભૂલ હતી. આથી ફોર્મમાં ભૂલ જણાતા રેખાબેન ચૌધરીએ પોતાનું પહેલું ફોર્મ રદ કરવા અરજી આપી હતી અને બીજું ફોર્મ રજૂ કર્યું હતું.