Get The App

ઠાસરા નગરમાં ગેરકાયદે 51 ઓટલાં, 6 કેબીનો સહિત 70 દબાણોનો સફાયો

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
ઠાસરા નગરમાં ગેરકાયદે 51 ઓટલાં, 6 કેબીનો સહિત 70 દબાણોનો સફાયો 1 - image


- પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રથમવાર દબાણ હટાવો ઝૂંબેશ

- 25 વર્ષોથી ખડકાયેલી કેબીનો હટાવી દઇને સરકારી આયુર્વેદિક હોસ્પિટલની બારીઓ ખૂલ્લી કરાઈ : અન્ય દબાણો પણ દૂર કરાશે

ઠાસરા : ઠાસરા પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આજે નગરમાંથી દબાણો હટાવાયા હતા. નગરમાં દુકાનોના ગેરકાયદે ૫૧ ઓટલા, ૧૨ છજિયા અને ૬ કેબીનો સહિત ૭૦ જેટલા દબાણોનો સફાયો બાલાવાયો હતો. આયુર્વેદિક હોસ્પિટલની બહાર ખડકાયેલી કેબીના દબાણોનો સફાયો બોલાવી દેવાતા ૨૫ વર્ષ બાદ દવાખાનાની બારીઓ ખૂલી હતી. હજૂ બે દિવસ સુધી દબાણ હટાવો ઝૂબેશ શરૂ રાખી નગરમાંથી તમામ દબાણો દૂર કરી દેવાનો પાલિકા તંત્રએ દાવો કર્યો છે. ગુરૂવારે મસ્જિદથી હોળી ચકલા તરફ તંત્ર ત્રાટકશે.

ઠાસરા નગરના બળિયાદેવ, વાડદ ચોકડી, ભાથીજી મંદિર, દવાખાના, બજાર, શાળા, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર નડતરરૂપ દબાણો ૨૪ કલાકમાં દૂર કરી દેવા ૨૯૬ દબાણકર્તાઓને નગરપાલિકા દ્વારા તા. ૨૦મીએ નોટિસ ફટકારાઈ હતી. ઠાસરા પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત દબાણો દૂર કરવાનું આજે બુધવારે તંત્રએ શરૂ કર્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ, વીજ તંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી મોટા તળાવના શોપિંગ સેન્ટરેથી દુકાનોના ઓટલા- પ્લાસ્ટિકના શેડ, પટેલવાળીનો ઓટલો દૂર કરાયા હતા. ઠાસરા સરકારી દવાખાનાની આયુર્વેદિક હોસ્પિટલની બહાર ખડકાયેલી કેબીનો પણ હટાવી દેવાતા ૨૫ વર્ષ બાદ પ્રથમ વખત બારીઓ ખૂલ્લી કરાઈ હતી.

ઠાસરા સેવા સદનથી બપોરે બે વાગ્યા સુધી સરકારી દવાખાના, ટાવર સુધીના દબાણોનો સફાયો બોલાવી દેવાયો હતો. પાલિકાના બજાર વિસ્તાર અને ડાકોરથી સેવાલિયા વિસ્તારના દબાણો હટાવી રસ્તો ખૂલ્લો કરાયો હતો. હજૂ સિટી અને બહારની તરફ બે દિવસ દબાણ હટાવો ઝૂબેશ ચાલુ રહેવાની સંભાવના છે. 

ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડે જણાવ્યું હતું કે, દુકાનો અને ઓટલાઓના દબાણો ગેરકાયદે છે તેને કોઈની સહેશરણ વગર કાયદેસર તોડી જ નાખવામાં આવશે. સિટી સર્વે કચેરીની ટીમને પણ કામે લગાડાઈ છે. ઠાસરા સેવા સદનથી મસ્જિદ બજાર સુધી દુકાનોના ગેરકાયદે ૫૧ ઓટલા, ૧૨ છજિયા તોડી પડાયા હતા. તીનબત્તી વિસ્તારમાં લાકડાના ૬ કેબીન પણ તોડી પડાઈ હતી. બુધવારે કુલ ૭૦ જેટલા દબાણો દૂર કરાયા છે. ગુરૂવારે નગરના મસ્જિદથી હોળી ચકલા થઈ મોટા સૈયદવાળા તરફના દબાણો હટાવાશે. ગોધરા બજાર, રામચોક, પુષ્પાંજલિ વિસ્તારના ઓટલાઓ તોડવામાં આવશે. નગરમાં તમામ દબાણ દૂર કરાશે.


Google NewsGoogle News