વડોદરાના સયાજી બાગના સાયન્સ પાર્કમાં સાધનોનું અપગ્રેડેશન કરી લોકાર્પણ
Vadodara : વડોદરામાં સયાજી બાગના 146માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે 2.08 કરોડના ખર્ચે પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડેડ થયેલા સાધનોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, તેમાં વિજ્ઞાનના પ્રયોગો અને ઓબ્જેક્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. બાગમાં ફરવા આવતા બાળકોને જ્ઞાન સાથે વિજ્ઞાનનું પણ નોલેજ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં ઈલ્યુમિનેટેડ ટ્રીઝ પણ મૂકવામાં આવ્યા છે.
જોકે આજે લોકાર્પણ પ્રસંગે અમુક તૈયારીઓ બાકી હોવાથી લોકાર્પણ પૂર્વે છેલ્લી ઘડી સુધી બાકી રહેલી સિવિલ કામગીરી પૂર્ણ કરવા કારીગરો કામે લાગેલા જોવા મળ્યા હતા. સાયન્સ પાર્કમાં 12 નવા મોડ્યુલ મૂકવામાં આવ્યા છે, જ્યારે જૂના મોડ્યુલને અપગ્રેડ કરવાનું કામ ઘણા વખતથી ચાલી રહ્યું હતું. જે નવા મોડ્યુલ છે તેમાં ગ્રાન્ટ ચેર, હ્યુમન સનડાયલ, ટાઈડલ પાવર પ્લાન્ટ, કાઇનેટિક એનર્જી એન્ડ પોટેસિયલ એનર્જી લિફ્ટ, સીસો પ્લેટ, સેન્ટર ઓફ ગ્રેવિટી, વર્ક એન્ડ એફર્ટ એટ ડિફરન્ટ એંગલ, ટગ ઓફ વોર, વિન્ડ કાઇનેટીક આર્ટ, સોલર એનર્જી, વિન્ડ ટર્બાઇન વગેરેનો સમાવેશ થાય છે. આ બધા મોડ્યુલના ઉપયોગ બાળકોની ઉંમર મુજબ કરવા વિભાજિત કરાયા છે. બાળકો કમાટી બાગમાં આવી સાયન્સ પાર્કમાં આ મોડ્યુલનો ઉપયોગ કરતી વખતે જ્ઞાન સાથે ગમ્મત મેળવે છે.