વડોદરામાં પર્યાવરણ પ્રેમીઓએ 25 જેટલા વૃક્ષોને મરતા બચાવ્યા, ફુટપાથ પર પેવર બ્લોકના કારણે વૃક્ષોને નથી મળતું પોષણ
Save Tree: વડોદરા શહેરમાં કોર્પોરેશન અને તેના કોન્ટ્રાકટરોના પાપે પહેલા જ હજારો વૃક્ષોને ગળેફાંસો અપાયો હોય તેવી સ્થિતિ છે. રોડ બનાવતી વખતે વોલ ટુ વોલ કાર્પેટિંગના નામે અને ફૂટપાથ પર પેવર બ્લોક લગાવતી વખતે વૃક્ષોની ફરતે સ્હેજ પણ જગ્યા છોડવામાં નહીં આવતી હોવાથી હજારો વૃક્ષોને પોષણ મળતુ અટકી ગયું છે અને જાણકારો માને છે કે, તેના કારણે હજારો ઘટાદાર વૃક્ષોની આવરદા ઘટી ગઈ છે.
આમ છતાં હજી પણ કોર્પોરેશન અને કોન્ટ્રાકટરો સુધરવા માટે તૈયાર નથી. જેના કારણે હવે પર્યાવરણ પ્રેમી નાગરિકો પોતે જ વૃક્ષોને બચાવવા માટે આગળ આવી રહ્યા છે. વડોદરાના હરણી રોડ પર વિજય નગર વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની આડેધડ કામગીરીના કારણે રસ્તાની બાજુમાં ઉગેલા 30 જેટલા વૃક્ષોના મૂળિયા ખુલ્લા થઈ ગયા છે. આ વૃક્ષોને બચાવવા માટે આજે સ્થાનિક લોકો રસ્તા પર ઉતર્યા હતા.
આ અભિયાનમાં જોડાયેલા અને 'ફ્રી ધ ટ્રી' નામની ઝૂંબેશ શરુ કરનારા લાવણ્ય સિંહે કહ્યું હતું કે, 'આજે અમે ખુલ્લા થઈ ગયેલા વૃક્ષોની આસપાસ માટી અને ખાતર નાંખ્યા હતા. ઉપરાંત કામગીરી કરનારા લોકોને કહીને વૃક્ષોની ચારે તરફનો ત્રણ ફૂટ જેટલો હિસ્સો ખુલ્લો કરાવ્યો હતો. આસપાસમાં રહેતા લોકો પણ તથા ફોર લેગ્સ નામની પ્રાણી પ્રેમી સંસ્થાના કાર્યકરો જોડાયા હતા. જેમાં ફેમિના પારેખ, વિનાયક ભટ્ટ, અલ્પેશ જોરે, જરશેષ, નિતિન, ધર્મેશ પારેખનો સમાવેશ થતો હતો.'
તેમણે કહ્યું હતું કે, 'શિયાળામાં વૃક્ષો માત્ર પોતાના બચાવનું કામ કરે છે. તેઓ આ સિઝનમાં પોતાની એનર્જી બચાવે છે અને તેવા સમયે વૃક્ષના મૂળિયા ખુલ્લા કરવાથી તેની સામે જોખમ વધી જતું હોય છે.'
લાવણ્યસિંહે અપીલ કરી હતી કે, જ્યારે પણ આ પ્રકારની કામગીરી ચાલતી હોય ત્યારે વૃક્ષોને બચાવવા માટે આસપાસમાં રહેતા લોકો આગળ આવે અને જો વૃક્ષોની ફરતે ડામર પાથરવામાં આવતો હોય અથવા તો વૃક્ષો પડી જાય તે પ્રકારે ખોદકામ થતું હોય તો તેનો વિરોધ કરે.