યુનેસ્કોની મેમરીમાં ભગવદ ગીતા અને ભારતીય શાસ્ત્રનો સમાવેશ થતા ભારતીય જ્ઞાનનો હવે સમગ્ર વિશ્વને વધુ પરિચય થશે
Vadodara : યુનેસ્કોની વર્લ્ડ રજિસ્ટર મેમરીમાં તાજેતરમાં ભગવદ ગીતા અને ભારતીય નાટ્ય શાસ્ત્રનો સમાવેશ કરી વિશ્વની માન્યતા મળતા ભારતીય જ્ઞાનનો હવે સમગ્ર વિશ્વને પરિચય થશે, ભારતની ગૌરવશાળી પરંપરા હવે વધુ આગળ વધશે. એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના ડ્રામેટીકસ વિભાગના પૂર્વ હેડ અને પૂર્વ ફેકલ્ટી હેડ પ્રો.મહેશ ચંપકલાલે આમ કહી ઉમેર્યું હતું કે જ્ઞાન ક્ષેત્રે ભારત વિશ્વગુરૂ બનવા માંગે છે તે દિશામાં આ પ્રથમ પગલું છે.
ફેકલ્ટી ખાતે આજે આ સંદર્ભે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રો.મહેશ ચંપકલાલએ જણાવ્યું હતું કે 2500 વર્ષ પહેલા લખાયેલો જગતનો આ પ્રથમ ગ્રંથ છે. જેમાં સંગીત, નૃત્ય અને નાટ્ય ત્રણેયનો સંગમ થયેલો છે. પશ્ચિમમાં એરિસ્ટોટલે કાવ્યશાસ્ત્ર લખેલું હતું. આ નાટ્ય શાસ્ત્ર આ ત્રણેય કલાનો જ નહીં, પણ જગતનો પ્રથમ વિશ્વ કોશ છે. 2500 વર્ષ પહેલા સંગીત, નૃત્ય અને ભારતીય નૃત્યની પરંપરા ને ભરતમુનિએ આલેખી છે. જે કવિ માટે, પ્રેક્ષક માટે અને પ્રયોગતા માટે છે, એટલે કે નાટક કેવી રીતે લખાય, કેવી રીતે ભજવાય અને કેવી રીતે જોવાય તે દર્શાવ્યું છે. જો સર સયાજીરાવે અભિનવગુપ્તની ટીકા સાથે તેને પ્રકાશિત કર્યો ન હોત તો આજે યુનેસ્કોની અધિકૃત માન્યતા મળી શકી ન હોત. મૂળ નાટ્યશાસ્ત્ર ચાર ભાગમાં છે. આજે નાટક માટે પશ્ચિમની બોલબોલા છે, એટલે કે ત્યાંના દિગ્દર્શકો, નટો અને સ્કોલરોની વાતો થાય છે,પરંતુ બધાનું ધ્યાન આ માન્યતા મળતા ભારતીય નાટ્ય શાસ્ત્ર તરફ જશે અને તેનો શ્રેય સયાજીરાવને જશે, કેમ કે 150 વર્ષ પહેલા તેમણે વ્યક્તિગત રસ લઈને આ અતિ મહત્વનું કામ કર્યું હતું. આપણે તેમને ભૂલવા ન જોઈએ. ભારતીય સંસ્કૃતિ અતુલ્ય છે, તેમાંય ભાગવત ગીતા તો આધ્યાત્મિક ગ્રંથ છે. હવે પશ્ચિમની સંસ્કૃતિના લોકો પણ તે વાંચતા થયા છે. પશ્ચિમમાં આધ્યાત્મિકતા નથી, ભૌતિકતા છે. ભોગવિલાસની સંસ્કૃતિને શાંતિ નથી મળતી, પણ ગીતાના સિદ્ધાંતોને રોજબરોજ વ્યવહારમાં અને મેનેજમેન્ટમાં અમલમાં મૂકવાથી શાંતિ અનુભવાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ માં ભરતનાટ્ય શાસ્ત્રના 37 અધ્યાય છે.
જેનો મહારાજા સયાજીરાવ ગાયકવાડએ ઇંગ્લિશ ભાષામાં અનુવાદ કરાવ્યો હતો.