સિંચાઇ યોજનાઓનું પ્લાનિંગ કરનારા અધિકારીઓની પરીક્ષા પર શંકા એન્જિનિયરોની પરીક્ષામાં CCTV નહીં સુપરવાઇઝરો પણ ટેકનિકલ સ્ટાફના
રાજ્યભરના એન્જિનિયરો અને ઓવરસિયરોની પરીક્ષા વડોદરામાં ચાર દિવસ સુધી ચાલવાની છે
વડોદરા, તા.2 નર્મદા વોટર રિસર્ચ તેમજ વોટર સપ્લાય કલ્પસર ડિપાર્ટમેન્ટમાં એટલે કે સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતા એન્જિનિયરોના પ્રમોશન માટે સમગ્ર રાજ્યભરના ઉમેદવારો પરીક્ષા માટે વડોદરામાં આવ્યા છે. વડોદરામાં લેવાતી આ પરીક્ષાના કેન્દ્રમાં સીસીટીવી કેમેરા નથી એટલું જ નહી પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર તરીકે પણ ટેકનિકલ સ્ટાફને જ રાખવામાં આવતા પરીક્ષાના આયોજન પર અનેક પ્રશ્નો સર્જાયા છે.
ઉલ્લેખનીય છે કે સિચાઇ વિભાગની રાજ્યભરમાં આવેલી વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા મદદનિશ એન્જિનિયર, અધિક મદદનિશ એન્જિનિયર તેમજ ઓવરસિયરને પ્રમોશન માટેની દર વર્ષે પરીક્ષા યોજાય છે. આ વર્ષે આ પરીક્ષાનું આયોજન વડોદરામાં દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી ટેકનોલોજી ફેકલ્ટીમાં કરવામાં આવ્યું છે. વડોદરા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાંથી કુલ ૧૧૫ ઉમેદવારો માટે ચાર દિવસ ચાલનારી પરીક્ષા તા.૧ જાન્યુઆરીથી શરૃ થઇ ગઇ છે.
તા.૧ના રોજ સવારે જનરલ એન્જિનિયરિંગનું ૧૦૦ માર્કનું લેખિત તેમજ બપોરે ૫૦ માર્કસની ઓરલ પરીક્ષા લેવાઇ હતી જ્યારે આજે ૧૦૦ માર્કસનું સ્પેશિયલ સબ્જેક્ટ તેમજ બપોરે ઓરલ પરીક્ષા લેવાઇ હતી. આવતીકાલે ડિવિઝનલ એકાઉન્ટ એન્ડ રુલ્સનું ૧૦૦ માર્કસનું પેપર તેમજ તા.૪ના રોજ પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઓરલ બંને લેવાશે. કુલ ચાર દિવસ ચાલનારી ખાતાકિય પરીક્ષા મધ્યાંતરે પહોંચી છે.
મહત્વની બાબત એ છે કે ટેકનોલોજી ફેકલ્ટીમાં જે સ્થળે સિંચાઇ યોજનાઓનું ભવિષ્યમાં પ્લાનિંગ કરનારા એન્જિનિયરો તેમજ અન્ય માટે પરીક્ષા યોજાઇ રહી છે તે પરીક્ષા ખંડમાં કોઇ સીસીટીવી કેમેરા જ નથી, જેના કારણે પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવાની મજા આવી ગઇ છે. ટેકનિકલ વિષયોને લગતી પરીક્ષા લેવામાં આવતી હોવાથી સુપરવાઇઝર તરીકે ટેકનિકલ જાણતા હોય તેવી વ્યક્તિને ના મૂકી શકાય તેમ છતાં સુપરવાઇઝર તરીકે ટેકનિકલ સ્ટાફને મૂકવામાં આવ્યો છે. માત્ર બે ક્લાર્કને જ પરીક્ષાની કામગીરી માટે રાખવામાં આવ્યા છે. સિંચાઇની મહત્વની કામગીરી સાથે જોતરાયેલા અધિકારીઓના પ્રમોશન માટેની આ પરીક્ષામાં ગોપનિયતા કેટલી રહેશે તેવા પ્રશ્નો પણ ઊભા થયા છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાની માંગણી
વિવિધ વિભાગોમાં લેવાતી ખાતાકિય પરીક્ષામાં ગેરરીતિ થવાની શક્યતાઓ રહેતી હોય છે જેના પગલે આ પરીક્ષા હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારમાં નિમણૂંક માટે ક્લાસ વન, ટુ તેમજ થ્રીમાં પસંદગી માટેની પસંદગી કરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. એક વખત પસંદગી પામેલ ઉમેદવારોને પ્રમોશન માટે હવે ખાતાકિય મહત્વની પરીક્ષા પણ મંડળ દ્વારા લેવાવી જોઇએ તેવી માંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
સરકાર મહેકમ ફાળવતી નથી જેથી પરીક્ષા ફરજ માટે ઓર્ડર કરાય છે
સિંચાઇ વિભાગમાં પ્રમોશન માટેની લેવાતી પરીક્ષા આ વર્ષે વડોદરામાં યોજાઇ રહી છે. દર વર્ષે તેના શિડયૂલ મુજબ પરીક્ષા થતી હોય છે જેમાં સુરત, રાજકોટ કેન્દ્રો નક્કી કરવામાં આવે છે આ વખતે વડોદરામાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. એન્જિનિયરોની નિમણૂંક બાદ બે વર્ષનો પ્રોબેશન સમય પૂરો થાય તો તેઓ પ્રમોશન માટે પરીક્ષા આપી શકે છે તેમ જણાવી ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ ચૌધરીએ જણાવ્યું હતું કે ખાતાકિય પરીક્ષા માટે સરકાર દ્વારા મહેકમ ફાળવવામાં આવતુ નથી જેથી ઓર્ડર કરીએ તે મુજબ કર્મચારી પરીક્ષાની ફરજ બજાવતા હોય છે. કુલ ૧૧૪ ઉમેદવારો પૈકી સાતથી આઠ ઉમેદવારો ગેરહાજર છે.