માર્ગ અને મકાન વિભાગમાં દિવાળી પૂર્વે એન્જિનિયરોની બદલીના હુકમો છતાં નવા સ્થળે હાજર થવામાં ગલ્લાંતલ્લાં
અધિકારીઓ અને કર્મચારીઓ સરકારનું જ સાંભળતા નથી ઃ આખરે નવો હુકમ કરી કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવી પડી
વડોદરા, તા.7 રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં તાજેતરમાં એન્જિનિયરોની મોટાપાયે બદલીઓ થઇ હતી પરંતુ કેટલાંક એન્જિનિયરો સરકારની બદલીના ઓર્ડરને ગણકારતી જ નહી હોવાથી તાજેતરમાં નવો ઓર્ડર ઇસ્યૂ કરી નવા સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે અને જો હાજર ના થાય તો કડક પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા દિવાળી પૂર્વે જ તા.૩૦ ઓક્ટોબરના રોજ ૩૦
કાર્યપાલક ઇજનેરો, ૧૦૫ નાયબ કાર્યપાલક ઇજનેરો અને ૨૩૦ મદદનીશ ઇજનેરોની સામૂહિક બદલીના હુકમો
કરવામાં આવ્યા હતાં. આ પહેલાં પણ તા.૨૧ સપ્ટેમ્બરના રોજ ઇજનેરોના હુકમો કરાયા
હતાં. આ હુકમોને બેથી ત્રણ માસ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો છતાં પણ કેટલાંક
એન્જિનિયરો જૂના સ્થળેથી નવા સ્થળે હાજર થતા નથી.
જૂની જગ્યાએ લાંબા સમય સુધી બદલી થવા છતાં ચીટકી રહેલા
એન્જિનિયરોને મૌખિક સુચનાઓ અનેક વખત આપવામાં આવી છતાં બદલી થયેલા એન્જિનિયર અથવા
તેના ઉપરી અધિકારીના ધ્યાને નહી આવતા આખરે સરકારે લેખિતમાં હુકમ કરવાની ફરજ પડી
છે. પોતાના જ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ વાત નહી સાંભળતા સરકારે કડક વલણ
અપનાવવું પડયું છે.
માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સચિવે હુકમ કરવો પડયો છે કે
મદદનીશ ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેરોની બદલી કરવામાં આવી છે પરંતુ સરકારના ધ્યાન
પર આવ્યું છે કે ઘણી બધી કચેરીઓ દ્વારા હુકમોનું પાલન કરવામાં આવતું નથી. સરકારી
અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ અને નિયુક્તિઓ અંગેના માર્ગદર્શક સિધ્ધાંતોની
જોગવાઇનો પણ અમલ કરાતો નથી. સંબંધિત અધિકારી તેમજ કર્મચારી એક અથવા બીજા કારણોસર
હાજર થવામાં વિલંબ કરી રહ્યા છે. આ કર્મચારીઓને આજદિન સુધી છૂટા ન કરવા કારણો સહિતની
સ્પષ્ટતા માર્ગ અને મકાન વિભાગની જે તે ઓફિસ પાસે માંગવામાં આવી છે. જો બદલીઓ અને
નિયુક્તિઓ અંગેના માર્ગદર્શક સિધ્ધાંતો મુજબની કાર્યવાહી હાથ ધરવામાં નહી આવે તો
કાર્યવાહી કરાશે.