વડોદરા શહેરમાં સફાઈની કામગીરી અસરકારક બનાવવા ચાર ઝોનમાં ઇજનેરોની નિમણૂક
Vadodara : વડોદરા શહેરમાં સફાઈની કામગીરી સધન બનાવવા પાલિકાના કમિશનરે ચાર ઝોન માટે અલગ અલગ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચકાસવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત જે તે ઝોનમાં આવતા સંબંધિત વોર્ડના સંકલનમાં પણ તેઓએ સ્વચ્છતા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના તમામ માપદંડોનું અમલીકરણ કરવાનું રહેશે.
નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ તબક્કાવાર વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. જે અંતર્ગત ગત રોજ તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત શહેરના ચારે ઝોનમાં થઈ રહેલ સ્વચ્છતા અને સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી વધુ અસરકારક બનાવવા તેમણે ચારે ઝોનમાં અલગ અલગ અધિકારીની આ માટે નિમણૂક કરી છે. જેમાં પૂર્વ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ધર્મેશ રાણા, દક્ષિણ ઝોનમાં કાર્યપાલક ઇજનેર સ્વપ્નિલ શુક્લ, પશ્ચિમ ઝોનમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયર કશ્યપ શાહ અને ઉત્તર ઝોનમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયર હાર્દિક ગામઢાને સંબંધિત ઝોન વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સફાઈનું ધોરણ જળવાઈ રહે તે મુજબ સંબંધિત વોર્ડના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત તેઓએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના તમામ માપદંડોનું પણ અમલીકરણ કરવાનું રહેશે. જે અંગે ડે.મ્યુનિસિપલ કમિશનર કેતન જોષી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.