કરજણ-આમોદ જ નહી અન્ય સ્થળે પણ તંત્રની લાલિયાવાડી કરોડો રૃપિયાના રોડના કામો પરંતુ સ્થળ પર એન્જિનિયરો ગેરહાજર
ગેરન્ટી પિરિયડમાં પણ રોડ તૂટી જાય છે છતાં તંત્ર કોન્ટ્રાક્ટરો પાસે રોડ રિપેર કરાવી શકતું નથી
વડોદરા, તા.2 વડોદરા જિલ્લામાં ચાલતા રોડના કામો દરમિયાન માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોની હાજરી નહી હોતા રસ્તાના કામોની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠયા છે. મહત્વની બાબત એ છે કે એન્જિનિયરોની હાજરી ઉપરાંત કેટલીક વખત તો સેફ્ટીના સાધનો વગર જ કર્મચારીઓ કામ કરતા હોય છે છતાં કોઇ પગલાં લેવાતા નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કરજણ-આમોદરોડ પર ચાલતા કાર્પેટિંગના કામ દરમિયાન અનેક ખામીઓ બહાર આવી હતી. રોડ પર સેફ્ટીના સાધનો વગર જ કર્મચારીઓ કામો કરતા હતા તેમજ સ્થળ પર કોઇ એસઓની પણ હાજરી જોવા મળી ન હતી. મહત્વની બાબત એ છે કે મોટી રકમનું કામ છતાં પણ માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી જોવા મળી છે. સરકારી તંત્ર દ્વારા ઇજારદારને નિયમો વિરુધ્ધ કામ કરવા માટે છૂટ આપી દીધી હોય તેવું લાગી રહ્યું છે.
માત્ર આ જ રોડ પર નહી પરંતુ જિલ્લામાં ચાલતા અન્ય રોડના કામો પર પણ એન્જિનિયરની હાજરી હોતી નથી. કેટલીક વખત પ્લાન્ટ પરથી રોડ બનાવવા માટે લવાતા મટિરિયલની યોગ્ય પાવતી પણ ડમ્પરચાલકો પાસે હોતી નથી. કાચી પાવતીથી પણ મટિરિયલની હેરાફેરી થતી હોય છે. ઇજારદારો સામે કડક કાર્યવાહીના બદલે એન્જિનિયરો દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવે છે. રોડના કામ દરમિયાન ટેન્ડરમાં જે શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે તે શરતો પૈકી મોટાભાગની શરતોનો અમલ થતો નથી તેમ છતાં કચેરીમાંથી બિલો પાસ કરી કરોડો રૃપિયાની ફાળવણી કરી દેવામાં આવે છે.
કરજણ-આમોદરોડના કામમાં અનેક ખામીઓ હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી જેના પગલે અન્ય રોડના કામોમાં પણ ગરબડો કરવા માટેનો મોકો મળી ગયો છે. અધિકારીઓની ઢીલી નીતિના કારણે હલકી કક્ષાના રોડ બનતા હોય છે અને દર વર્ષે મોટા ખાડા પડી જતા ફરી ખર્ચ કરવાનો વારો આવે છે. ત્રણ વર્ષ સુધી ગેરન્ટીમાં માર્ગ હોવા છતાં કેટલાંક કિસ્સામાં સરકારી તિજોરીમાંથી ખર્ચ કરીને રોડનું કામ કરવું પડતું હોય છે. ખરેખર અધિકારીઓના પગારમાંથી આ રકમ કાપીને કામ કરવું જોઇએ તેના બદલે સરકારી તિજોરી પર બોજ નાંખવામાં આવે છે.