વર્ષાઋતુની સમાપ્તિ,શરદ ઋતુ સાથે આજથી ભાદરવાનો પ્રારંભ
પ્રાચીન ભારતીય કેલેન્ડરમાં વર્ષમાં છ ઋતુ : શતં જીવ શરદઃ આશિર્વાદમાં આ ઋતુનું મહત્વ છેઃ ખીરની પરંપરા સાથે ઋષિઓએ હેલ્થ ટીપ્સ આપી
રાજકોટ, : આધુનિક વિજ્ઞાાન મૂજબ ચલણમાં વર્ષની ત્રણ ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસુ રહ્યું છે અને ભારતમાં તા.૧ જૂનથી ૩૦ સપ્ટેમ્બર ચોમાસાના ગણાય છે પરંતુ, પ્રાચીન ભારતીય શાસ્ત્રોએ ઋતુમાં વધુ જીણુ કાંત્યું છે અને વર્ષમાં વસંત,ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશીર એમ છ ઋતુ આપી છે જે મૂજબ શ્રાવણના અંતિમ સપ્તાહમાં વર્ષા ઋતુની સમાપ્તિ થઈ છે અને હવે શરદ ઋતુનો આરંભ થયો છે, આવતીકાલથી ભાદરવા માસનો આરંભ થશે જેને પિતૃમાસ પણ કહે છે.
આજે જન્મદિવસે હેપ્પી બર્થ ડેની વીશ કરાય છે પરંતુ, ભારતીય પરંપરામાં જન્મદિવસે શતં જીવ શરદઃ એવા આશિર્વાદ, શુભકામના અપાતી રહી છે, જન્મદિન શુભેચ્છામાં 100 શરદ ઋતુ સુધી જીવો કહેવામાં શરદ ઋતુની વિશેષતા છુપાયેલી છે, વૈદ્યોએ જણાવ્યા અનુસાર ચોમાસાના ઉતરાર્ષમાં આવતી આ ઋતુમાં પિતપ્રકોપ (એસીડીટી) વધે છે અને અનેક રોગોનો જન્મ થાય છે, અન્ય ઋતુ કરતા આ ઋતુમાં તંદુરસ્તી જાળવવી સાપેક્ષમાં મૂશ્કેલ છે અને તેથી જ આ ઋતુમાં દૂધપૌઆ, ખીર વગેરે આરોગવામાં શ્રધ્ધાની સાથે સ્વાસ્થ્ય પણ સચવાય છે. તબીબો આ ઋતુમાં ખાનપાનમાં કાળજી લેવા ભલામણો કરે છે. આ ઋતુમાં મિશ્રઋતુથી વાયરલ કેસો વધે છે ત્યારે હળવા વ્યાયામ, હળવો ખોરાક, કેળા સહિતના ફળો ખાવાનું પણ મહત્વ છે.