વડોદરાના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન સર્કલથી હાઇવે સુધીના દબાણોનો સફાયો : ચાર ટ્રક સામાન કબજે
Demolition by Vadodara Corporation : વડોદરામાં શરૂ કરાયેલી દબાણ હટાવો ઝુંબેશમાં આજે 22માં દિવસે પાલિકા તંત્ર સતત એક્શનમાં રહ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તાથી હાઇવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો, દુકાનની આગળ બનાવેલા ગેરકાયદે શેડ, રોડ રસ્તા પર મુકાયેલા ઓટો રીપેરીંગના ગલ્લા સહિત દુકાનોના લટકણીયા તથા પાકા બનાવેલા ઓટલા બુલડોઝરના સહારે દબાણ શાખાની ટીમે તોડી રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ ચાર ટ્રક જેટલો સામાન કબજે કરાયો હતો. કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રકઝક તથા બોલાચાલીના દ્રશ્યો સર્જાતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે કાર્યવાહી જોવા લોકોના ટોળા સતત સાથે જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગરસેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદે દબાણનો સફાયો કરવા પાલિકા મ્યુ. કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી. ત્યારબાદ શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ સતત 22 દિવસથી ચાલી રહી છે. એક પણ દિવસ આ ઝુંબેશ બંધ રહી નથી. શહેરના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે બાજુએ થયેલા હંગામી દબાણનો સફાયો થતાં પાલિકાની કાર્યવાહીની શહેરભરમા સરાહના થઈ રહી છે. પરંતુ આવી કામગીરી પાલિકા તંત્ર દ્વારા સમી સાંજ થી શરૂ કરી રાત સુધી જારી રાખવામાં આવે તેવી લોક માંગ છે. દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ હતી. વોર્ડ નં. 5, 15 માં વૃંદાવન સર્કલથી બાપોદ હાઇવે સુધીના હંગામી દબાણો અને રોડ રસ્તાની બંને બાજુની દુકાનો પર બનાવાયેલા શેડ, લારી ગલ્લા, વેપાર ધંધા માટે રોડ રસ્તા પર બનાવેલા કાચા બનાવેલા હંગામી શેડ, તથા દુકાનદારોના લટકણીયા, ચા-ખાણી પીણીની લારીઓ તથા રોડ પર કેટલાય બનાવેલા ઓટલા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ દરમિયાન કેટલીય જગ્યાએ દબાણની ટીમ સાથે બોલાચાલી અને રકઝકના દ્રશ્યો સર્જાતા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફે મામલો સંભાળ્યો હતો. જોકે કાર્યવાહી દરમિયાન દબાણ શાખા ની ટીમે કુલ ચાર ટ્રક જેટલો સામાન કબ્જે કર્યો હતો.
પાલિકા દબાણ શાખાની ટીમ સાથે કાર્યવાહીમાં પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વોર્ડ નં. 5-15 નો સ્ટાફ, ફાયર બ્રિગેડ, વીજ ખાતા સહિત ફાયર બ્રિગેડની ટીમ તથા અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત થયો હતો. દબાણ હટાવો ઝુંબેશનો તમાશો જોવા ઊમટેલા લોક ટોળા ટીમ સાથે સતત સાથે રહ્યા હતા. જોકે લોક ટોળામાં એવી પણ ચર્ચા જાગી હતી કે, દબાણ હટાવ ઝુંબેશ શહેરભરમાં સમી સાંજે કરવામાં આવે તો આ ઝુંબેશને વધુ સફળતા મળી શકે છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ યોગ્ય રીતે રહી શકે જેમાં બે મત નથી.