સુરતમાં દબાણ માટે કુખ્યાત કાદરશાની નાળમાં પાલિકા દ્વારા મોટા પાયે દબાણો હટાવાયા
Surat Corporation : સુરત પાલિકાના દબાણ માટે કુખ્યાત એવા કાદરશાની નાળ વિસ્તારમાં આજે પાલિકા તંત્રએ દબાણ દુર કરવાની કામગીરી કરી હતી. આજે સવારથી જ રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક માથાભારે દબાણ કરનારાઓએ વિરોધનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાલિકાએ કડક હાથે કામગીરી કરી દબાણ દુર કરી દીધા છે. આ દબાણ દુર થતાં અન્ય વિસ્તારમાં દબાણની સમસ્યા છે તેવા લોકોએ પોતાના વિસ્તારના દબાણ પણ કડકાઈથી દૂર થાય તેવી માંગણી કરી છે.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કાદરશાની નાળ વિસ્તાર દબાણ માટે કુખ્યાત છે. અહી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને રોડ સાંકડા છે તેમ છતાં માથાભારે દબાણ કરનાર રસ્તા પર દબાણ કરીને ધંધો કરી રહ્યાં છે. આ અંગેની લાંબા સમયથી ફરિયાદ બાદ આજે અચાનક પાલિકા તંત્ર ઉંઘમાંથી જાગ્યું છે અને રસ્તા પરના આ ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકા તંત્રની ટીમ આજે કાદરશાની નાળ વિસ્તારમાં પહોંચી હતી અને રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી ત્યારે કેટલાક માથાભારે તત્વોએ માથાકૂટ કરી હતી પરંતુ પાલિકાએ કડકાઈ દાખવી દબાણ દુર કરી દીધા હતા.
પાલિકા જો આ માથાભારે તત્વોના દબાણ દુર કરી શકતી હોય તો શહેર માટે માથાનો દુખાવો બની ગયેલા ચૌટા બજાર અને પાલનપોર વિસ્તારના દબાણ કેમ દુર કરવામાં આવતા નથી તેવા પ્રશ્નો લોકો ઉભા કરી રહ્યાં છે. ચૌટા બજાર અને પાલનપોર શાક માર્કેટ વિસ્તારમાં તો દબાણની કાયમી સમસ્યા છે પરંતુ હવે પાલનપોર કેનાલ રોડ પર કેનાલ બ્રિજ અને ચાર રસ્તા પર નવા દબાણ થઈ રહ્યાં છે. તેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે આ અંગેની અનેક ફરિયાદ બાદ પણ તંત્ર જાગતું ન હોવાથી સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. આ દબાણ પણ કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે.