Get The App

ગુજરાત સમાચારના અહેવાલની અસર, કંથારપુર વડની આસપાસના દબાણો હટાવવા તંત્રની દોડધામ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Kantharpura


Mahakali Vad Kantharpura: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનો જાણીતો કંથારપુર વડ તંત્રની ઉદાસીનતાની ચાડી ખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વડ અને તેની વડવાઈઓની સુરક્ષા માટે સૂચનો કર્યા બાદ આરંભે શૂરાની જેમ વહીવટી તંત્રએ મસમોટી વાતો કરી હતી, પરંતુ બાદમાં તેની આસપાસ ગેરકાયદે દબાણો ઊભા થઈ ગયા હતા. આ સ્થિતિમાં વડની સુંદરતાનો પણ ભોગ લેવાઈ ગયો હતો. આ અંગે ગુજરાત સમાચારના અહેવાલ પછી તંત્ર સફાળું જાગીને વડની આસપાસના દબાણો હટાવવા પહોંચી ગયું છે. ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી છે. 

કંથારપુરનો વડ 40 મીટર ઊંચો અને અઢી વીઘાથી વધુ જમીનમાં પથરાયેલો છે. આ વડનું આયુષ્ય લગભગ 500 વર્ષથી વધુ હોવાનું મનાય છે. આ ઐતિહાસિક વડની આસપાસ ખાણી-પીણીની લારીઓનો અડ્ડીંગો જામી ગયો હોવાથી વડની સ્થિતિ બદતર થઈ ગઈ હતી. દિવસે ને દિવસે આ સ્થળ ધંધાકીય સ્થળ બની ગયું હતું. વડવાઈઓ તૂટવા લાગી હતી. જે અંગે ગુજરાત સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રની આંખો ખૂલી હતી અને દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા ઐતિહાસિક કંથારપુર વડના અસ્તિત્વ સામે જોખમ, 10 કરોડની ફાળવણી ક્યાં ગઇ?

સામાન્ય પ્રજાની સુવિધા અંગે કોઈને ચિંતા જ નથી

કંથારપુર અને વાસણા ચૌધરી ગામની વચ્ચે આવેલા આ ઘેઘુર વડ અને તેની નીચે આવેલા મહાકાળી માતાના મંદિરનું સત ખૂબ જ છે. દૂર દૂરથી લોકો અહીંયાં માનતા માનવા અને પૂરી કરવા માટે આવે છે. દર રવિવારે અને પૂનમે હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. હાલમાં આ મંદિરની જાળવણી અને વહીવટ કંથારપુરા ગામના કેટલાક લોકો દ્વારા બનાવાયેલું ટ્રસ્ટ કરે છે. થોડાં સમય પહેલા સરકારે વિકાસના નામે મંદિર અને તેની આસપાસના વિસ્તારનો વહીવટ પોતાને હસ્તક લઈ લીધો. મંદિરની પાસે બસસ્ટેન્ડ હતું તથા તેની સામે પાણીની વિશાળ પરબ હતી. આ બધું જ વિકાસના નામે એકાએક તોડી પડાયું જ્યારે બીજી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. સમય જતાં વડ વિકસતાં અને વડવાઈઓ નમી જતાં કંથારપુરમાં પ્રવેશવાના માર્ગમાં તે વડવાઈ આવતાં તેની નીચેથી બસપસાર થઈ શકતી નથી. બસ સ્ટેન્ડ બંધ થઈ ગયું છે. 

આ ઉપરાંત પાણીની પરબ તોડી કાઢવામાં આવી અને પીવાના પાણી માટે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ ન કરી. મંદિર દ્વારા દરરોજ 40-50 જગ પાણી મંગાવવામાં આવે છે. તે ઉપરાંત તહેવારોમાં દરરોજ એક ટેન્કર પાણી મંગાવાય છે. સરકારે તો પરબ તોડીને હાથ અદ્ધર કરી લીધા છે. લોકો માટે શૌચાલયની જેવી પ્રાથમિક સુવિધાનું સરકારી ખાતા દ્વારા ધ્યાન રખાયું નથી. મંદિરની પાછળ એક મોબાઇલ ટોઇલેટ લાવીને મૂકી દીધું છે જે ગંદકીથી ખદબદે છે અને તેને સાફ કરવાની કોઈ વ્યવસ્થા નથી. મંદિર ટ્રસ્ટ જ્યારે જાતે સફાઈ કરાવે ત્યારે સાફ થાય છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો વ્યવસ્થા વિસ્તારવાની વાત કરે ત્યારે સરકાર કહે છે કે અમે કરીશું અને કામ કરવાનું આવે ત્યારે કોઈ ફરકતું પણ નથી. 


Google NewsGoogle News