જામનગર પાલિકાની દબાણ હટાવ શાખાનો સફાયો : જી.જી.હોસ્પિટલ રોડ રેકડીઓ સહિતના દબાણો દૂર કરાયા
Jamnagar Corproation : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે સવારે ફરીથી જી.જી. હોસ્પિટલ રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ અધિકારીની રાહબરી હેઠળ તેમની ટીમે મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને જી.જી. હોસ્પિટલની સામેના ભાગમાં આવેલી તમામ દુકાનના દ્વારે ખડકાયેલો માલ સામાન કબજે કરી લેવાયો હતો, અને મુખ્ય રોડને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
તે ઉપરાંત ડી.કે.વી. સર્કલમાં ગેરકયદે રીતે મંજૂરી વિના મુકાયેલા જાહેરાતના હોર્ડિંગ્સ-બેનર વગેરે પણ ઉતારી લેવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોનીથી પંપ હાઉસ તરફના માર્ગે નવો ગૌરવ પથ માર્ગ જાહેર કરાયો છે, અને તે રોડ પર દબાણ હટાવ ઝુંબેશ ફરીથી હાથ ધરવામાં આવી હતી. જે રોડ પર ગેરફાયદા રીતે ફરીથી ખડકી દેવામાં આવેલી છ રેકડી તથા ચાર મોટા મંડપ સાથેના કાઉન્ટર વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા, અને નવા ગૌરવ પથમાર્ગને ફરીથી ખુલ્લો અને સાફ સુથરો બનાવાયો હતો.