Get The App

સુરતમાં પાલિકા અને પોલીસને પડકાર ફેંકતા માથાભારે દબાણ કરનારાઓ : ચૌટા બજારમાં પોલીસની પીસીઆરવાન ફસાઈ

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
સુરતમાં પાલિકા અને પોલીસને પડકાર ફેંકતા માથાભારે દબાણ કરનારાઓ  : ચૌટા બજારમાં પોલીસની પીસીઆરવાન ફસાઈ 1 - image


Surat : સુરત પાલિકાએ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મોટા ઉપાડે 119 જેટલા ઝીરો દબાણ રૂટ જાહેર કર્યા છે. પરંતુ તેનો અમલ પણ ઝીરો જ જોવા મળી રહ્યો છે. સુરત પાલિકાના દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજારમાં દબાણનો કડવો અનુભવ ખુદ પોલીસને પણ થઈ ગયો છે. રવિવારે બપોરે દબાણ ઓછું હોય તેવા સમયે પોલીસની પીસીઆર વાન ચૌટા બજારમાં આવી હતી. પરંતુ માથાભારે દબાણ કરનારાઓ પોલીસ વાનની સાયરનને પણ ગણાકારતા ન હતા જેના કારણે પોલીસે સતત સાયરન વગાડીને દબાણ હટાવવા પડ્યા હતા. ભીડ ન હોય તેવા સમયે જો પોલીસની વાનને ચૌટાબજારના ગેરકાયદે દબાણથી બહાર નીકળવા ભારે જહેમત ઉઠાવી તો સ્થાનિકો અને અન્ય લોકોની હાલત કેવી થતી હશે તે કલ્પાના જ કરવી મુશ્કેલ છે. 

સુરત મહાનગરપાલિકાએ ઝીરો દબાણ રૂટ પરના દબાણ દૂર કરવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરી છે. પાલિકાએ કેટલાક ઝીરો દબાણ રૂટ પરથી પાલિકા દબાણ દુર કરી શકી છે પરંતુ દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર વિસ્તારમાં પાલિકાની દબાણ દુર કરવાની શાહમૃગ નીતિથી દબાણ વધી રહ્યાં છે. છાસવારે ચૌટા બજારમાં એમ્બુલન્સ ફસાવવાની ઘટના બની રહી છે. આ દબાણના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યાં છે. 

સુરત પાલિકાએ વર્ષ 2019 માં જાહેર કરેલા 119 ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દુર કરવામાં પાલિકાની કામગીરી ઝીરો જોવા મળી રહી છે. પાલિકાએ સમયાંતરે દબાણ દુર કરે છે પરંતુ તે અસરકારક ન હોવાથી ઝીરો દબાણ રૂટ પર પારાવાર દબાણ જોવા મળી રહ્યાં છે. સુરત પાલિકાએ આ 1119 રૂટમાં ચૌટા બજાર વિસ્તારનો પણ સમાવેશ કર્યો છે. ઝીરો દબાણ રૂટ હોવાનું બોર્ડ પણ ચૌટા બજારમાં લગાવ્યું છે પરંતુ દબાણના કારણે આ બોર્ડ પણ દેખાતું નથી.

ગઈકાલે રવિવારે બપોરે બે વાગ્યાની આસપાસ ચૌટા બજારમાં પોલીસની પીસીઆર વાન આવી હતી. પરંતુ આ દબાણના કારણે પીસીઆરવાન દબાણમાં ફસાઈ ગઈ હતી. પીસીઆરવાન દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી પરંતુ દબાણ કરનારા તત્વોના પેટનું પાણી પણ હાલતું ન હતુ. જોકે, સતત સાયરન બાદ પોલીસની પીસીઆરવાન દબાણમાંથી પસાર થઈ શકી હતી. 

આ અંગેનો વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ચૌટા બજાર ચાર રસ્તા ખાતે ગેરકાયદેસર દબાણના લીધે પોલીસની વાનને બજારમાંથી પસાર થવામાં જો આટલી તકલીફ થતી હોય તો દુકાનદારોને, સ્થાનિકોને અને બજારમાં આવનારા ગ્રાહકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે તે કલ્પના કરવી જ મુશ્કેલ છે. લોકોની સાથે-સાથે પોલીસ અને પાલિકાને પણ ગેરકાયદે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે તેથી લોકો આવા દબાણો કડકાઈથી અને કાયમી ધોરણે દુર થાય તેવી માંગણી કરી રહ્યાં છે.


Google NewsGoogle News