MSUના આર્કિટેકચર વિભાગના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલ અને બીયરના ટીન મળતા ચકચાર, સુરક્ષા પર સવાલો
M S University : એમ.એસ.યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગના કેમ્પસમાંથી દારૂ અને બીયરની ખાલી બોટલો તેમજ ટીન મળી આવ્યા બાદ યુનિવર્સિટીની સિક્યુરિટી પર ફરી સવાલો ઉઠયા છે. એનએસયુઆઈ દ્વારા ફરી એક વખત કેમ્પસની સુરક્ષા પર સવાલો ઉઠાવાયા છે.
ડી.એન.હોલ પાસે આવેલા આર્કિટેકચર વિભાગના કેમ્પસમાં હાલમાં ગણપતિબાપાની સ્થાપના પણ કરવામાં આવી છે અને તેનાથી 30 જ મીટર દૂર દારૂની ખાલી બોટલો, બીયરનું ટીન તેમજ ગ્લાસ જેવી વસ્તુઓ પડેલી જોવા મળી હતી.
એનએસયુઆઈનું કહેવું છે કે, કેમ્પસમાં સિક્યુરિટીના પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને આમ છતા આર્કિટેકચર વિભાગમાં દારૂની ખાલી બોટલો મળી આવે તે બાબત આંચકાજનક છે. વિદ્યાર્થીઓએ કે બહારથી આવેલા લોકોએ અહીંયા દારૂની મહેફિલ કરી હોવાની પણ આશંકા છે. આર્કિટેકચર વિભાગના હેડે પણ આ બાબતે ખુલાસો કરવાની જરૂર છે.
એનએસયુઆઈના સુઝાન લાડમેને કહ્યું હતું કે, સૌથી મોટો સવાલ એ છે કે, સિક્યુરિટી શું કરતી હતી? સિક્યુરિટીએ આંખ આડા કાન કર્યા હોય અથવા તો સિક્યુરિટી અંધારામાં હોય તો જ અહીંયા દારૂ પીવાયો હોઈ શકે છે. આ ઘટનાએ કેમ્પસની સુરક્ષા પર ફરી સવાલો ઉઠાવ્યા છે.