યુનિ.માં આઉટસોર્સિંગ એજન્સીના હંગામી કર્મચારીઓની સંખ્યા વધીને 365 થઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં બિન શૈક્ષિણિક કર્મચારીઓની કામગીરીનું આઉટ સોર્સિંગ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ હોવા છતા વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે ધરાર આઉટ સોર્સિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
હવે આઉટ સોર્સિંગ એજન્સીને ટ્રાન્સફર કરાઈ રહેલા કર્મચારીઓની સંખ્યા વધી રહી છે. કર્મચારીઓના વિરોધના ડરથી સત્તાધીશો તબક્કાવાર કર્મચારીઓને એજન્સીના હવાલે કરી રહ્યા છે.આમ છતા અત્યારે આઉટ સોર્સિંગ એજન્સીના કર્મચારીઓની સંખ્યા વધીને ૩૬૫ થઈ ગઈ છે.આ પૈકી મોટાભાગના કર્મચારીઓ યુનિવર્સિટીમાં જ પહેલા રોજિંદા પગારે કામ કરતા હતા.હવે તેમનો હવાલો એજન્સીને સોંપી દેવામાં આવ્યો છે.
તેની સાથે સાથે નવા કર્મચારીઓની ભરતી એજન્સી થકી જ થઈ રહી છે.સત્તાધીશોના ધમપછાડા છતા હજી ૧૦૦૦ જેટલા કર્મચારીઓ એવા છે જેમણે આઉટ સોર્સિંગ એજન્સીમાં જવા સંમતિ નથી આપી.આ કર્મચારીઓ આંદોલન કરશે તો જવાબ આપવો ભારે પડશે તેવા ડરથી સત્તાધીશો તેમને એજન્સીમાં ટ્રાન્સફર નથી કરી રહ્યા.આ ઉપરાંત ૩૫૦ જેટલા હંગામી કર્મચારીઓ એવા છે જેઓ કોર્ટમાં ગયા હોવાથી સત્તાધીશો તેમના પર આઉટ સોર્સિંગ એજન્સીમાં જોડાવા માટે દબાણ કરી રહ્યા નથી.
જોકે આઉટસોર્સિંગની શરુઆત ૩૦ કર્મચારીઓથી થઈ હતી અને આ સંખ્યા વધીને ૩૬૫ પર પહોંચી છે.આમ સત્તાધીશોએ વધારે ઉહાપોહ ના થાય તે માટે તબક્કાવાર કર્મચારીઓનું આઉટસોર્સિંગ કરવાની ખંધી નીતિ અપનાવી છે.