વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને મેડિકલના બિલો મેળવવામાં ધરમધક્કા
વડોદરા, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોને કર્મચારીઓની પરવાહ નથી. એક તરફ બિનજરૂરી રીનોવેશન પાછળ લાખ્ખો રૂપિયા ઉડાવતા શાસકોના રાજમાં કર્મચારીઓ તેમની સારવારનો ખર્ચ મેળવવા વલખા મારે છે.
વડોદરા કોર્પોરેશન ના શાસકોના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓની હાલત પરથી ખબર પડી જશે. કોર્પોરેશનમાં ફરજ બજાવતા એક હજાર કરતાં વધુ કર્મચારીઓના મેડિકલ બિલ અટવાઈ પડ્યા છે. કર્મચારીઓને ત્રણ થી ચાર હજાર રૂપિયા સુધીનો સારવારનો ખર્ચ પાલિકા આપે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી કર્મચારીઓને તેમના બીલના નાણાં મળ્યા નથી.
અધિકારીઓ કારણ આપે છે કે બજેટ નથી. હવે કર્મચારીઓને સારવારનો ખર્ચ આપવાનું બજેટ નથી તો બીજી તરફ શાસકોની ઓફિસોમાં લાખો ના ખર્ચે રીનોવેશન થઈ રહ્યું છે. આથી વિશેષ કાઉન્સિલરો ના કોરોનાના લાખોના બિલ ધડાધડ ચૂકવાઈ જાય છે.
એક તરફ કર્મચારીઓના સારવારના નાણાં ચુકવવા મહિનાઓ લગાડતા શાસકો મહિને દહાડે 50 હજાર થી વધુ રકમ ચા-નાસ્તા અને જ્યુસ પાછળ ફૂંકી મારે છે.
હવે જ્યારે વાત સિદ્ધાંત અને સેવાની આવે ત્યારે વિરોધ થાય એ સ્વાભાવિક છે. પૂર્વ વિપક્ષ નેતાએ શાસકોની મનશા પર સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ વિપક્ષી નેતાનું કહેવું છે કે મેયર સિવાયના એક પણ હોદેદારો માટે આવા ખર્ચા કરવાની સત્તા નથી. આ ખોટું છે કે કર્મચારીઓ ને વલખા મારવા પડે છે.
છેલ્લા બે મહિનામાં પાલિકાના શાસકોના ચા-નાસ્તા અને જ્યુસની જ્યાફ્ત પાછળ રૂપિયા એક લાખ કરતાં વધુ ખર્ચ થયો છે. વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓની લાચારી એ છે કે સત્તા સામે સવાલો પૂછી નથી શકતા.