મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાં કામ કરતો મુંબઈનો કર્મચારી લેપટોપ અને મોબાઈલ લઈને રફુચક્કર થઈ જતાં ફરિયાદ નોંધાવાઇ
Image Source: Freepik
જામનગર જિલ્લાના લાલપુર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતો મુંબઈનો એક કર્મચારી પોતાની સાથે કંપનીનું લેપટોપ અને મોબાઈલ લઈને રફુ ચક્કર થઈ જતાં તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ મુંબઈના કાંદીવલી વિસ્તારનો રહેવાસી અને હાલ મોટી ખાવડી ગ્રીન્સ ટાઉનશીપમાં રહીને ખાનગી કંપનીમાં કામ કરતો હિતેશ નટુભાઈ સાપરીયા કે જેને કંપની તરફથી કામકાજ માટે એક લેપટોપ અને મોબાઈલ ફોન અપાયો હતો. જે બંને કંપનીની સામગ્રી લઈને હિતેશ સાપરિયા બારોબાર રફુચક્કર થઈ ગયો હતો.
આથી કંપનીના અન્ય જવાબદાર કર્મચારી ઉપમન્યુ ઘનશ્યામભાઈ મહેતા દ્વારા મેઘપર પડાણા પોલીસ મથકમાં હિતેશ સાપરિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ.જી. જાડેજા એ તપાસ હાથ ધરી છે, અને મુંબઈ સુધી તપાસ નો દોર લંબાવ્યો છે.