વડસરમાં મૃત કોન્ટ્રાક્ટરના ખાતામાંથી કર્મચારીએ ૫૫ લાખની ઉચાપત કરી
મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી
હૃદય રોગના હુમલાથી કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં કર્મચારીએ નાણાં હડપવા કારસો ઘડયો પણ પકડાયો
કલોલ : કલોલ તાલુકાના વડસર ગામે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં કોન્ટ્રાક્ટર મૃત્યુ થઇ જતા તેના ત્યાં કામ કરતા વિશ્વાસુ કર્મચારીએ કોન્ટ્રાક્ટરના બેંક ખાતાઓમાંથી પોતાના ખાતામાં રૃપિયા ૫૫ લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરી લીધી હતી જે અંગે પોલીસે પત્નીની ફરિયાદના આધારે વિશ્વાસુ કર્મચારી સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના વડસર ગામે આવેલ
ટાટા હાઉસિંગમાં રહેતા અખિલેશકુમાર અચ્છે લાલ ત્રિપાઠી કન્સ્ટ્રક્શનનો વ્યવસાય
કરતા હતા અને તેઓએ પોતાની સહાયતા માટે તેમના ગામનો દિવ્યાંશુ મહેન્દ્ર પ્રતાપ
તિવારી નામના ઇસમને કામે રાખ્યો હતો અને તે બેંકને લાગતું તેમજ કન્સ્ટ્રક્શનને
લાગતું તમામ કામકાજ જોતો હતો ત્યારે કોન્ટ્રાક્ટર અખિલેશકુમાર ત્રિપાઠીને એટેક
આવતા તેઓ મરણ ગયા હતા.
ત્યારબાદ તેમના વિશ્વાસુ કર્મચારી દિવ્યાંશુ તિવારીએ
અખિલેશકુમાર ત્રિપાઠીના અલગ અલગ બેંક ખાતાઓમાંથી રૃપિયા ૫૫ લાખ જેટલી માતબર રકમ
પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધી હતી જે બાબતની જાણ મૃતક કોન્ટ્રાક્ટરના પત્ની
શારદાબેનને થતા તેઓએ પોલીસ મથકમાં નાણાની ઉચાપત કરનાર દિવ્યાંશુ મહેન્દ્ર પ્રતાપ
તિવારી મૂળ રહે ઉનુખા યુપી સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરી તપાસ
ચલાવી છે.