Get The App

સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનેદારે અમરેલીના શખ્સને માથામાં હથોડીના 55 ઘા મારી પતાવી દીધો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનેદારે અમરેલીના શખ્સને માથામાં હથોડીના 55 ઘા મારી પતાવી દીધો 1 - image


પુણામાં હત્યા કરી ફેંકી દેવાયેલી લાશનો ભેદ ઉકેલાયો અમરેલી બાબરાના ઇમરાન કુરેશી પાસે રૂ. 3.55 લાખ ઉછીના લઇ જતીન ખોખરીયાએ સુરત આવી કારખાનું શરૂ કર્યું હતું : ઇમરાને સમય પહેલા ઉઘરાણી કરી જતીને ગોંધી રાખતા રકમ પરત કરી હતી : બાદ ફરી રૂ. 1.55 લાખ ઉછીના લીધા તેની પણ સમય પહેલા ઉઘરાણી કરવા કારખાને આવતા હત્યા કરી : કારીગરની મદદથી લાશ પેક કરી ફેંકી દીધી હતી

સુરત/રાજકોટ :  પુણાની અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક પ્લાસ્ટિકના કચરાના ઢગલામાંથી મળી આવેલી અજાણ્યા યુવાનની હત્યા થયેલી લાશ મળી આવવાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં મૃતકની ઓળખ કરવાની સાથે હત્યારા એવા લેણદાર એમ્બ્રોઇડરી કારખાનેદાર સહિત બે ની ધરપકડ કરી છે. 

પુણા-સારોલી રોડ સ્થિત અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડની સાઇડમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલામાંથી ગત બપોરે અજાણ્યા યુવાનની હત્યા કરી મીણીયા કોથળા અને બ્લેન્કેટમાં બાંધીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચે 100 પોલીસ જવાનની 12 ટીમ બનાવી ફોટોના આધારે તપાસ કરતા મૃતક ઇમરાન ગુલાબભાઇ કુરેશી (ઉ.વ. ૩૫ રહે. બાબરા ગામ, અમરોલી) હોવાનું અને તેની હત્યા તેના હમવતની મિત્ર જતીન ગોરધન ખોખરીયા (ઉ.વ. 28 રહે. ક્રિષ્નાપાર્ક, છેલ્લી શેરી, સીમાડા અને મૂળ. ખોખરીયા, અમરપરા, તા. બાબરા. અમરેલી) એ કર્યાનું બહાર આવ્યું હતું.

જેથી પોલીસે જતીનની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે દોઢ-બે વર્ષ અગાઉ ઇમરાન પાસેથી એક વર્ષની મુદ્દતે ઉછીના રૂ. 3.55 લાખ લઇ સુરત આવ્યો હતો અને આંજણાના જયનારાયણ ઇન્ડસ્ટ્રીયમાં એમ્બ્રોઇડરી કારખાનું શરૂ કર્યુ હતું. પરંતુ વર્ષ પહેલા જ ઇમરાને ઉઘરાણી શરૂ કરી ગાળાગાળી અને માર મારતો હતો. ઉપરાંત સુરતથી અપહરણ કરી બે દિવસ વતનમાં લઇ જઇ ગોંધી રાખ્યો હતો. જેથી તેને રૂ. 3.55 લાખ ચુકવી દીધા હતા પરંતુ પુનઃ પૈસાની જરૂર પડતા 20 દિવસ માટે રૂ. 1.55લાખ લીધા હતા. 

પરંતુ 20 દિવસ પહેલા જ ઇમરાને ઉઘરાણી શરૂ કરી 13 મે ના રોજ કારખાનામાં આવી આજે 12 વાગ્યા પહેલા પૈસા જોઇએ એમ કહી ઝઘડો કર્યો હતો. જેથી જતીને ઇમરાનના માથામાં હથોડીના ઉપરાછાપરી ૫૫ ઘા મારી હત્યા કર્યા બાદ રાતના સમયે વિશ્વાસું કારીગર જીતેન્દ્ર ધર્મરાજ ગૌતમ (ઉ.વ. 32 રહે. રાજીવનગર ઝુંપડપટ્ટી, કાપોદ્રા અને મૂળ. સુરવા, મિશિલપુર, પ્રતાપગઢ, યુ.પી) સાથે મળી લાશ પેક કરી ભાડાની કારમાં લઇ જઇ ફેંકી દીધી હતી. પોલીસે જતીન અને જીતેન્દ્રની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News