કુંભારવાડા વિસ્તારમાં 16 કનેક્શનમાં રૂ.9.30 લાખની વીજચોરી ઝડપાઈ
પીજીવીસીએલ દ્વારા વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરાયું
સૌથી વધારે વીજલોસ ધરાવતા ૧૧ કેવી કુંભારવાડા, ગોપાલ અને માઢીયા ફીડરના ૧૫૦થી વધારે કનેક્શન તપાસ્યા
ભાવનગર: ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે વહેલી સવારે પીજીવીસીએલની પાંચ ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલનું કુલ પાંચ ટીમો દ્વારા ૧૫૦થી વધારે કનેક્શન તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૧૬ કનેક્શનમાં રૂ.૯.૩૦ લાખની વીજચોરી ઝડપાઈ હતી.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આજે વહેલી સવારે ૭ કલાકના અરસામાં પીજીવીસીએલની અલગ-અલગ પાંચ ટીમો દ્વારા કુંભારવાડાના અલગ-અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યં, હતું. વીજ કંપનીની પાંચેય ટીમો દ્વારા સૌથી વધારે વીજલોસ ધરાવતા સીટી-૧ હેઠળ આવતા ૧૧ કેવી કુંભારવાડા ફીડર, ૧૧ કેવી ગોપાલ ફીડર અને ૧૧ કેવી માઢીયા ફીડર હેઠળ આવતા ૧૫૦થી વધારે વીજ કનેક્શન ચેકિંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૬ વીજ કનેક્શનમાં વીજચોરી માલુમ પડતા કુલ રૂ.૯.૩૦ લાખની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વહેલી સવારે ૭ કલાકથી બપોરે ૧૧ કલાક સુધી વીજ ચેકિંગ કામગીરી ચાલી હોવાનું જાણવા મળ્યું છે.