Get The App

જિલ્લામાં 4 દિવસમાં 419 વીજ કનેક્શનમાં 1.41 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઈ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
જિલ્લામાં 4 દિવસમાં 419 વીજ કનેક્શનમાં 1.41 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઈ 1 - image


વીજચોરી ઝડપવા ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા વ્યાપક દરોડા

વડોદરા, ભાવનગર, રાજકોટની ટીમોએ પાલિતાણા, સિહોર, મહુવા, જેસર, ગારિયાધાર અને વલ્લભીપુર પંથકમાં તપાસ કરી

ભાવનગર: ભાવનગરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન પીજીવીસીએલની વડોદરા, ભાવનગર, રાજકોટની જુદી-જુદી ટીમો દ્વારા પાલિતાણા, સિહોર, મહુવા, જેસર, ગારિયાધાર અને વલ્લભીપુર પંથકમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૫૦૦થી વધારે કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૪૧૯ કનેક્શનોમાં કુલ રૂ.૧.૪૧ કરોડની વીજચોરી ઝડપાઈ હતી.

ભાવનગર વર્તૂળ કચેરી હેઠળની પેટા વિભાગિય કચેરીના વિસ્તારોમાં ગત તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ થી ૨જી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન પીજીવીસીએલની વડોદરા, ભાવનગર, રાજકોટ સહિત અલગ-અલગ ૧૭૦ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ચાર દિવસ દરમિયાન કુલ ૧૫૩૯ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૪૧૭ કનેક્શનોમાં કુલ રૂ.૧.૪૧ કરોડની વીજચોરી ઝડપાઈ હતી. જેમાં ગત તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પીજીવીસીએલની ૩૬ ટીમો દ્વારા સિહોર, વલ્લભીપુર અને સણોસરામાં કુલ ૩૧૫ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૧ વીજ કનેક્શનમાં કુલ રૂ.૩૧.૨૩ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. જેમા સણોસરાના કોમર્શિયલ કનેક્શનમાં બે લાખની વીજચોરીનો પણ સમાવેશ થાય છે. જ્યારે તા.૩૧ ડિસેમ્બરના રોજ તળાજા અને પાલિતાણા ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની ૪૩ ટીમોએ ૩૧૭ વીજ કનેક્શન ચેક કર્યાં હતા જેમાંથી ૮૦ કનેક્શનોમાં કુલ રૂ.૧૯.૮૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી. જે બાદ વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે તા.૦૧-૦૧-૨૦૨૫ના રોજ ગારિયાધાર અને પાલિતાણા શહેરમાં પીજીવીસીએલની ૪૫ ટીમો દ્વારા ૩૪૩ વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૧૧૨ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૨૮.૩૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી અને આજે તા.૦૨-૦૧-૨૦૨૫ના રોજ મહુવા અને જેસર તાલુકામાં પીજીવીસીએલની ૪૬ ટીમો દ્વારા ૫૬૪ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૬ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૬૧.૯૧ લાખની વીજચોરી ઝડપાઈ હતી. જેમાં કોમર્શિયલ કનેક્શનોમાં વીજચોરીના રૂ.૬ લાખનો પણ સમાવેશ થાય છે.


Google NewsGoogle News