હાલારના બન્ને જિલ્લાઓમાં વિજ તંત્ર દ્વારા સોમ થી શનિ સુધીના ૬ દીવસ દરમિયાન કુલ સવા ત્રણ કરોડ થી વધુ ની વિજ ચોરી પકડી લેવાઈ
હાલારના બન્ને જિલ્લાઓ માં છેલ્લા 6 દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને રૂપિયા સવા ત્રણ કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં આવી છે. ગઈ કાલે શનિવારે સતત છઠ્ઠા દિવસે પણ વિજ ચેકીંગ ચાલુ રખાયું હતું, અને વધુ 50.36 લાખની વિજ ચોરી પકડી લેવાઈ છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે શનિવારે સવારે સતત છઠ્ઠા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર શહેરના ગોકુલ નગર, રામવાડી, અશોકસમ્રાટ નગર, સહિતના શહેરના એરિયામાં ચેકિંગ કરાયું હતું, જ્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા, બાવા ખાખરીયા, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના વિરમદડ, ભાડથર, જુવાનગઢ ભીંડા, કોલવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વિજ ચેકિંગ કરાયું હતું.
કુલ 35જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૩ નિવૃત આર્મી મેન અને 17 લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ 472 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 79 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 50.36 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર ૬ દિવસ દરમિયાન રૂપિયા ૩ કરોડ ૨૬ લાખ થી વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.