જામનગર જીલ્લામાં વીજતંત્ર દ્વારા પખવાડિયાના વિરામ બાદ ફરીથી વીજ ચેકિંગ શરૂ : 57.62 લાખની વીજ ચોરી પકડાઈ
Jamnagar PGVCL : જામનગર શહેરમાં તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં પખવાડિયાના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 39 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. અને ચેકિંગ દરમિયાન 92 વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને 57.62 લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સોમવારે સવારે જામનગર શહેરના હનુમાન ટેકરી વામ્બે આવાસ, બેડેશ્વર, પુનિત નગર, ધરાર નગર સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ લાલપુર તાલુકા અને જામજોધપુરના વાલાસણ અને સીદસર સહિતના રૂરલ એરિયામાં સામુહીક રીતે વિજ ચેકીંગ હાથ કરવામાં આવ્યું હતું.
39 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે 27 લોકલ પોલીસના જવાનો તેમજ દસ એક્સ આર્મીમેનોને મદદમાં જોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ 451 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 92 વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા 57.62 લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે.