ફેબુ્રઆરી મહિનામાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે 23633 મેગાવોટ વીજ માગ નોંધાઈ
વડોદરાઃ ફેબુ્રઆરી મહિનામાં સામાન્ય રીતે પહેલા બે સપ્તાહ સુધી તો શિયાળાની અસર વરતાતી હોય છે પરંતુ આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં તાપમાનનો પારો ઉચો જવા માંડયો છે.છેલ્લા એક સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો ૩૩ થી ૩૫ ડિગ્રી સુધી જઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન પણ ઘટયું છે અને તેની અસર વીજ માગ પર દેખાઈ રહી છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સૂત્રોના કહેવા પ્રમાણે તા.૧૦ ફેબુ્રઆરીએ ગુજરાતની વીજ માગ ૨૩૬૩૩ મેગાવોટ પર પહોંચી હતી અને ગત વર્ષના ફેબુ્રઆરી મહિના કરતા લગભગ ૧૧ ટકા વધારે હતી.છેલ્લા પાંચ વર્ષમાં ફેબુ્રઆરી મહિનામાં સૌથી વધારે વીજ માગ ૨૦૨૫ના ફેબુ્રઆરી મહિનામાં નોંધાઈ છે.
છેલ્લા ચાર વર્ષથી ફેબુ્રઆરી મહિનામાં સરેરાશ વીજ માગમાં સતત વધારો થઈ રહ્યો છે.જેની પાછળનું કારણ વધતા જતા ઉદ્યોગોના અને બીજી આર્થિક પ્રવૃત્તિઓના કારણે ઉભી થઈ રહેલી વીજ માગ અને હવામાનમાં આવી રહેલો બદલાવ છે.જેમ કે ફેબુ્રઆરી ૨૦૨૧માં સૌથી વધારે વીજ માગ ૧૭૨૯૨ મેગાવોટ હતી.અને ૨૦૨૫ના ફેબુ્રઆરી મહિનામાં વીજ માગ ૨૩૬૨૨ મેગાવોટ સુધી પહોંચી છે.
ફેબુ્રઆરી મહિનામાં ગરમીનું પ્રમાણ વધવા માંડયુ છે અને તેના કારણે પંખા, એસી, કૂલર, ફ્રિઝ જેવા વીજ ઉપકરણોનો વપરાશ વધવા માડયો છે. એવું પણ અનુમાન થઈ રહ્યું છે કે, જે રી તે વીજ વપરાશ વધી રહ્યો છે તે જોતા ફેબુ્રઆરી મહિનાની જેમ માર્ચ, એપ્રિલ અને મેમાં પણ વીજ માગમાં અગાઉના વર્ષો કરતા વધારો નોધાવાની શક્યતા છે.જેને ધ્યાનમાં રાખીને સરકારી વીજ કંપનીઓ આગોતરુ આયોજન પણ કરી રહી છે.
પાંચ વર્ષમાં વધેલી વીજ માગ
૨૦૨૧ ફેબુ્રઆરી ૧૭૨૯૨ મેગાવોટ
૨૦૨૨ ફેબુ્રઆરી ૧૭૩૭૪ મેગાવોટ
૨૦૨૩ ફેબુ્રઆરી ૧૯૧૮૫ મેગાવોટ
૨૦૨૪ ફેબુ્રઆરી ૨૧૨૪૮ મેગાવોટ
૨૦૨૫ ફેબુ્રઆરી ૨૩૬૩૩ મેગાવોટ