રાજકોટમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં ભયાનક વિસ્ફોટ, ઘરવખરી ભડકે બળી, ઈવીમાં સુરક્ષા સામે સવાલ
Electric Scooter Blast in Rajkot: સમયની માંગ અને વધતાં જતાં પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે ધીમે-ધીમે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. સરકાર દ્વારા પણ લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ શું આ ઇલેક્ટ્રિક વ્હીકલ સુરક્ષિત છે તે પ્રશ્ન લોકોને મૂંઝવી રહ્યો છે. અવાર નવાર ઇલેક્ટ્રિક વાહનોમાં બ્લાસ્ટના સમાચાર વાંચવા મળે છે. ત્યારે રાજકોટથી ઇલેક્ટ્રિક સ્કૂટર બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ચાર્જિંગમાં મૂકેલું સ્કૂટર અચાનક બ્લાસ્ટ થયું હતું. જેનાથી ઘરમાં રહેલી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
મળતી માહિતી અનુસાર, રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સનાતન પાર્કની ઘટના છે, જ્યાં રાત્રે 12 વાગ્યા આસપાસ ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. આઠ મહિના પહેલાં ઇલેક્ટ્રીક બાઇક ખરીદવામાં આવ્યું હતું. જેને ચાર્જિંગ પર મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. સાથે જ ઘરનું તમામ વાયરીંગ પણ બળી ગયું છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો: એશિયાની સૌથી મોટી એપીએમસીની ચૂંટણીનો માર્ગ મોકળો, 20 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડશે
ઉલ્લેખનીય છે અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી બ્લાસ્ટ થઈ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત થયું છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.